જૂનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી

જૂનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી

જૂનાગઢ, તા.૨૭
રાષ્ટ્રીય સ્તરે તા. ૨૬ મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત તા.૦૯-૧૨-૨૦૨૨ ના રોજ તેઓએ તારીખ ૨૬ મી ડિસેમ્બરને ‘’રાષ્ટ્રીય વીર બાલ દિવસ’‘ તરીકે ઉજવવાની પ્રેરણા આપી હતી. આ ઉજવણીનો હેતુ રાષ્ટ્રને સાહિબઝાદાઓના અનોખા બલિદાનથી પરિચિત કરાવવાનો અને યુવા પેઢીને તેમની બહાદુરીથી પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને બહાદુરી, દ્રઢતા અને નિ:સ્વાર્થ સેવાની વાર્તાઓ દ્વારા પ્રેરણા આપવાનો છે.
રાષ્ટ્રીય વીર બાલ દિવસ પર ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આજથી અનેક વર્ષો પહેલા થયેલો સંગ્રામ ભારતીય ઇતિહાસના પાના ઉપર પોતાની ક્યારેય પણ ના ભૂલી શકાય તેવી છાપ છોડી ગયું છે. ગુરુ ગોબિંદસિંઘજીના માત્ર ૯ અને ૬ વર્ષની ઉંમર ધરાવતા સાહિબઝાદા જોરાવરસિંઘ અને સાહિબઝાદા ફતેહસિંઘને મુઘલ બાદશાહ અને તેમના સાથીદારો દ્વારા યાતનાઓ પહોંચાડવામાં આવી હતી. આ દિવસ હતો ૨૬ મી ડિસેમ્બર, ૧૭૦૫. આ બંન્ને બાળકોની શહાદત આજે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં અમર બની ચુકી છે. જે પેઢીઓ સાથે સર્વે ભારતીયોને પ્રેરણા પૂરી પાડતી રહેશે. જૂનાગઢમાં તા.૨૬-૧૨-૨૦૨૫ ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમની શરુઆત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરાઇ હતી. ત્યારબાદ સંસ્થાના બાળકોએ દેશભક્તિ ગીત ઉપર સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. આ તકે બંન્ને સાહિબઝાદાની કુરબાની યાદ દેવડાવતી ‘’ચાર સાહિબઝાદે’’ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ તકે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, સ્થાનિક કોર્પોરેટર શ્રી વંદનાબેન દોશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ડાંગરભાઇ અને શ્રી રાઠોડ, શ્રી જયદેવભાઇ સીસાંગીયા, શ્રી જિગ્નેશભાઇ ચાવડા, પ્રવક્તા શ્રી ગુરવિંદરસિંઘ, બીએપીએસ સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.