વેરાવળમાં આગ લાગેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ફાયર અને બાંધકામ મંજુરી વગર ખડકાયાનો ઘટસ્ફોટ થતા ચકચાર

આગની ઘટનાનો વિસ્તૃત રીપોર્ટ કલેકટરને મોકલવા અંગે પાલિકા તંત્ર આશ્ચર્યજનક કાગળ પર રમત રમી રહ્યુ હોય તેવો તાલ

વેરાવળમાં આગ લાગેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ફાયર અને બાંધકામ મંજુરી વગર ખડકાયાનો ઘટસ્ફોટ થતા ચકચાર
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.18
વેરાવળમાં ચાર માળનું મુરલીધર કોમ્પલેક્ષમાં ભીષણ આગની ઘટનાના બાર દિવસ બાદ મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત તા.5 ફેબ્રુઆરીના રોજ વેરાવળ બાયપાસ પર આવેલ મુરલીધર કોમ્પલેક્ષમાં લાગેલ આગમાં 40 દુકાનો અને 5 જેટલા મોપેડ સળગીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આ ઘટનાએ શહેરમાં ફાયર સેફ્ટી અને ગેરકાયદે બાંધકામ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ મામલે વેરાવળ પાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાના જણાવ્યા મુજબ મુરલીધર કોમ્પલેક્ષ બાંધકામ પરવાનગી વિના તેમજ ફાયર NOC વિના ઉભું કરવામાં આવ્યું હતુ. આ કોમ્પ્લેક્ષના માલીકો કોણ છે તે અંગે પાલિકા તંત્ર અજાણ છે. જેથી પાલિકા તંત્ર દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્ષ પર નોટિસ ચોંટાડવામાં આવી છે પરંતુ હજુ સુધી માલિકો આગળ આવ્યા નથી. ત્યારે ચીફ ઓફીસરની વાત ખુબ અચરજ સમાન છે.
એક તરફ આગની ઘટનાના 12 દિવસ વીતી ગયા હોવા છતાં જિલ્લા કલેક્ટર દ્વારા માંગવામાં આવેલ અહેવાલ હજી સુધી મોકલાયો નથી. માત્ર ડિઝાસ્ટરને આગ લાગ્યાની જાણ કરાઈ છે પરંતુ કોમ્પ્લેક્ષની ગેરકાયદેસરતા મુદ્દે કોઈ વિસ્તૃત અહેવાલ આજ દિન સુધી મોકલવામાં આવ્યો નથી. જેના કારણે પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ આગ જેવી ગંભીર ઘટના ઘટી હોવા છતાં સમારકામ કરાવી મંજુરી વગરના કોમ્પલેક્ષમાં ફરીથી વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ થઈ જતાં ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ એ મોટો સવાલ ઉભો થયો છે. આ ઘટનામાં પાલિક તંત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરી સંતોષ માનતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ કોમ્પલેક્ષમાં કોઈ દુર્ઘટના સર્જાઈ અને નિર્દોષનો ભોગ લેવાઈ તેની તંત્ર રાહ જોઈ રહ્યુ છે કે શું ??

આ ચાર માળનું વિશાળ કોમર્શિયલ કોમ્પલેક્ષનું બાંધકામ મંજૂરી વગર ખડકાઈ ગયું અને તે પણ હાઈવે ટચ હોવા છતાં પાલિકાનું ભ્રષ્ટ તંત્ર ધુતરાષ્ટ્રની ભુમિકા ભજવી રહેલ હતુ. જેથી કોમ્પલેક્ષ બનાવનાર માલિકોએ ફાયર સેફટીની પણ કોઈ સુવિધા ન રાખી રીતસર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ હતુ. જો કે, ગત 27/06/2024 ના પાલીકાના ફાયર વિભાગે ફાયર NOC મેળવી લેવા કોમ્પ્લેક્ષને નોટિસ ફટકારી કામગીરી કર્યાનો સંતોષ માની લીધા બાદ આગળની કોઈ કાર્યવાહી કરી ન હતી. 
આમ, જવાબદાર તંત્રની ઉદાસીનતા અને ગંભીર બેદરકારીના કારણે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગવાની ઘટના બનીને સામે આવી છે. તેમ છતાં પણ ધુતરાષ્ટ્રની ભુમિકા ભજવતું તંત્ર હજુ પણ જવાબદારોને બચાવવા આશ્ચર્યજનક કાર્યવાહી કરી રહ્યુ હોય તેમ ભીષણ આગની ઘટના બાદ જવાબદાર તંત્ર માત્ર કાગળ પરની રમત રમી રહ્યું છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી કરી હોય તેવું સામે આવ્યુ નથી. હાલ આ મામલો ચર્ચાના કેન્દ્રમાં છે અને જિલ્લા વહીવટી તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.

ઘટના અંગે પાલિકાનો ખુલાસો જ ભ્રષ્ટાચારનો પુરાવો : વિપક્ષી નેતા

આ ગંભીર મુદ્દે પાલિકાના વિપક્ષ નેતા અફઝલ પંજાએ તો પાલિકા તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા જણાવ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે આવડી મોટી ભીષણ આગની ઘટના બની ગઈને પાલિકા તંત્ર એવું કહેતું હોય કે અમને બિલ્ડીંગના માલિક મળતા નથી... શહેરમાં કોઈ ઘરમાં ગેરકાયદેસર નળ કનેક્શન હોય તો ત્યાં પણ નોટિસ સાથે પાલિકાનો સ્ટાફ પહોંચી જતો હોય છે. રસ્તા પર કોઈ લારી ગલાવાળા હોય તો ત્યાં પાલિકાનો સ્ટાફ દાદાગીરી કરી પહોંચી જઈ દુર કરી દેતા હોય છે અને આવડું મોટું ચાર માળનું બિલ્ડીંગ કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર ખડકાઈ ગયું અને પાલિકા અજાણ છે આ વાત જ પાલિકાના ભ્રષ્ટ તંત્રનો પુરાવો છે. બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ ધરાવતું પાલિકાનું ભ્રષ્ટ તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે. વાસ્તવમાં કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. ત્યારે જો આવી જ રીતે ભ્રષ્ટ શાશન ચાલતું રહ્યું તો સુરતનું તક્ષશિલા અને રાજકોટના ટીઆરપી કાંડ જેવી ઘટના આપણા શહેરમાં બને તો પણ નવાઈ નહીં. સરકાર અને મ્યુનિ. કમિશ્નર, આર.સી.એમ સહિત ઉચ્ચ અધિકારીઓએ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની કામગીરી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.