ઓસ્ટ્રેલીયાનાં વિઝા અપાવવાનાં બહાના હેઠળ મનપાનાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સહિત બે સાથે રૂા.75.36 લાખની છેતરપીંડી : ફરીયાદ

ઓસ્ટ્રેલીયાનાં વિઝા અપાવવાનાં બહાના હેઠળ મનપાનાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સહિત બે સાથે રૂા.75.36 લાખની છેતરપીંડી : ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.30
જૂનાગઢ મનપાના પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સહિત બે સાથે ગાંધીનગરના શખ્સે વિદેશમાં અભ્યાસ માટે મોકલવા માટે વિઝા પ્રક્રીયાના નામે રૂા.7,536,045ની છેતરપીંડી કર્યાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઝાંઝરડા રોડ પર આવેલા સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયાની ફરિયાદ અનુસાર જાન્યુઆરી 2023માં તેના પુત્ર સોહીલ (બી.ઈ. એન્જિનિયર) અને તેના મિત્ર હરેશભાઈ સાકરીયાના પુત્ર વિશ્વજીતને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવા માટે વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે અજયસિંહ વાઘેલાએ પોતાની અમદાવાદ ખાતેની ઓફિસે તેઓને બોલાવ્યા હતા અને એડમિશન, વિઝા ફી, ટિકિટ તથા લીગલ ફંડના નામે રાકેશભાઈ પાસેથી રૂા.21,29,750 અને હરેશભાઈ પાસેથી રૂા.70,43,252 મળી કુલ રૂપિયા 91,73,002 પડાવ્યા હતા. લાંબો સમય વિત્યા છતાં વિઝા કે એડમિશન ન મળતાં તપાસ કરતા શખ્સ વાયદાઓ કરવા લાગ્યો હતો. દરમિયાન ઉઘરાણી કરતા શખ્સે રાકેશભાઈને રૂપિયા 11.28 લાખ અને હરેશભાઈને રૂા.5,08,957 પરત કર્યા હતા. પરંતુ બાકી નીકળતા રાકેશભાઈના રૂપિયા 10,01,750 અને હરેશ ભાઈના રૂા.65,34,295 મળી કુલ રૂા.75,36,045 પરત ન આપી ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. વિઝા ન થતાં રાકેશભાઈ અને હરેશભાઇએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીએ શરૂઆતમાં નાણાં પરત આપવાના વાયદા કર્યા હતા અને આંશિક રકમ પરત આપી હતી. પરંતુ બાદમાં બાકી નીકળતાપરત આપવાને બદલે ફોન બંધ કરી દીધા હતા.