માંગરોળ બારા બંદર પરથી દારૂ ભરેલી હોડીઓ પકડાઈ

મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર : સ્થાનિકોએ પોલીસ - મિડિયાને જાણ કરી દેતા ખેલ બગડયો

માંગરોળ બારા બંદર પરથી દારૂ ભરેલી હોડીઓ પકડાઈ

(યુસુફ ચુડલી દ્વારા)
માંગરોળ તા.૧૯
જુનાગઢ જિલ્લાના માંગરોળના શેરીયાજ બારા બંદર પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ધોળા દિવસે બે હોડીઓ બારા બંદરના કીનારે આવી હતી. 
બુટલેગરો દારૂનો જથ્થો સગેવગે કરે. ત્યા સ્થાનિકોએ ભાંડો ફોડી નાખતા ખેલ બગડી ગયો હતો. પોલીસ પહોંચી ત્યા સુધીમાં એક બોલેરો ભરીને બુટલેગરો ફરાર થઈ ગયા હોવાનું સ્થાનિકો જણાવે છે. સ્થાનિક સાથે પણ બુટલેગરોની ઝપાઝપી થઈ હોવાનાં આક્ષેપો થયા હતા. હોડીઓ પણ બારા બંદરની જ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

આ બનાવની મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ બારા બંદર પર બે હોડીઓ વિદેશી દારૂની પેટીઓ ભરીને કીનારે આવી પહોચી હતી. બુટલેગરો માલ સગેવગે કરે ત્યા સ્થાનિકોને જાણ થતાં તેઓએ પોલીસ અને મિડિયાને જાણ કરી દેતા ખેલ બગડી ગયો હતો. જાેકે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બુટલેગરોએ એક બોલેરો ભરીને માલ સગેવગે કરી દીધો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ મામલે સ્થાનિક લોકો સાથે બુટલેગરોની ઝપાઝપી થઈ હતી અને એમા ગાડીના કાચ તૂટી ગયા હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બે જેટલી હોડીઓમાં ઝબલાઓમાં દારૂની પેટીઓ ભરીને આવી હોવાનું અને જેમા વિદેશી દારૂની બોટલો, ટીન સહિતની અલગ અલગ દારૂની સામગ્રીઓ નજરે પડી હતી. બ્લુ અને કાળા કલરના મોટા પ્લાસ્ટિકના ઝબલાઓમા દારૂની પેટીઓ પેક કરી હતી. હોડીઓમાંથી દારૂની પેટીઓ કીનારે આવતા બોલેરોમાં ચડાવવામાં મરીન પોલીસ અને જવાનો કામે લાગ્યા હતા. આટલો મોટો જથ્થો કાઢવામાં પોલીસ જવાનો પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. આ કામગીરી દરમ્યાન કેટલાક નસેડીઓ તકનો લાભ લઈને દારૂની પેટીના ઝબલાઓ લઈને નિકળી પડ્યા હતા. પરંતુ પોલીસે તેમને પણ અટકાવી દીધા હતા. બારા બંદર પરથી આટલી મોટી સંખ્યામાં ધોળા દિવસે દારૂનો જથ્થો ઝડપાતા લોકોમા ભારે કૂતુહલ સર્જાયું હતું. આખરે આટલો મોટો દારૂનો જથ્થો ધોળા દિવસે લાવવાની હિંમત કોણે..? કેવી રીતે કરી હશે..! આટલો મોટો જથ્થો કોનો...? અને આની પાછળ મોટા માથાઓ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પોલીસે હાલ આ જથ્થો લાવારીસ હોવાનું જણાવી રહી છે જાે કે બંને હોડીઓ બારા બંદરના સ્થાનિકોની જ હોવાનું લોકો જણાવી રહ્યા છે. હાલ માંગરોળ મરીન પોલીસ દારૂનો જથ્થો ઝડપી મરીન પોલીસ મથકે પહોચાડી રહી છે. કેટલી માત્રામાં જથ્થો છે..? અને કોનો છે.. એ આગળની તપાસમાં બહાર આવશે.