વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા વાંકાનેર ખાતે યોજાયેલ ૧૭માં ‘કામા‘ અશ્વ શોમાં તકનીકી નિષ્ણાંત સેવાઓ પૂરી પાડવામાં આવી
જૂનાગઢ, તા.૩૦
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ૨૬ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન યોજાયેલ ૧૭મા ‘કામા‘ (KAMA) અશ્વ શોમાં નિષ્ણાંત તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પશુપાલન ખાતુ- કૃષિ, ખેડૂતકલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્યના સહયોગથી, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસીએશન, ગુજરાત દ્વારા વાંકાનેરના રણજિત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.૧૭મા ‘કામા‘ (KAMA) અશ્વ શોનું ઉદ્ઘાટન ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું,. જેમાં પશુપાલન, કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા (વાંકાનેરના વર્તમાન રાજવી વડા) સામેલ હતા, જેમણે રણજિત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું યજમાનપદ સંભાળ્યું હતું. બપોરના સત્ર દરમિયાન, ગુજરાતના માનનીય રાજ્યપાલમહામહિમ આચાર્ય દેવવ્રતજીએપણ આ ઉત્સવની મુલાકાત લઈ તેની શોભા વધારી હતી અને સ્વદેશી સંવર્ધન પહેલને પ્રોત્સાહન આપ્યું હતું.
આ શોમાં વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢનું પ્રતિનિધિત્વ ડૉ. કે. બી. વાળા (પ્રોફેસર અને વિભાગીય વડા, વેટરનરી ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગ) અનેડૉ. પી. જી. ડોડિયા (વેટરનરી ઓફિસર, પશુપાલન પોલીટેકનિક) એ કર્યું હતું. આ ટીમ દ્વારા લાંબા અંતરથી આવતા ઘોડાઓના સ્ટ્રેસ લેવલ (તણાવ) પર દેખરેખ રાખવામાં આવી હતી, જેથી ‘મટકી ફોડ‘ અને ‘બેરલ રેસિંગ‘ જેવી ઉચ્ચ-તીવ્રતા વાળી સ્પર્ધાઓ માટે તેઓ શારીરિક રીતે સક્ષમ રહે.ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન, કોલેજ ટીમ દ્વારા રમતગમત સંબંધિત ઈજાઓ અને તાત્કાલિક સ્વાસ્થ્ય સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્યના પશુપાલન વિભાગ સાથે મળીને ‘અશ્વ સારવાર‘ સેવાઓ કાર્યરત રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન કુલ ૫૮ જેટલા અશ્વોની સારવાર કરવામાં આવી હતી, જેમાં પેટનો દુખાવો (કોલિક), સ્નાયુ ખેંચાવા, ઈજાઓ અને ગાયનેકોલોજીકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે.


