જૂનાગઢનાં જવાહર રોડ વિસ્તારમાં નળ કનેકશન રીપેર કર્યાનાં બીજા દિવસે જ તુટી જતાં નળમાં ગટરનાં પાણી વહેવા લાગ્યા
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢનાં જવાહર રોડ ખાતે જયારથી રસ્તાને ખોદી નાંખવામાં આવેલ છે ત્યાંથી આ વિસ્તારનાં લોકોની સમસ્યાનો અંત આવતો નથી. રોજબરોજ નવી સમસ્યાઓ ઉઠવા પામે છે. ગઈકાલે નળ કનેકશન રીપેર કરવામાં આવ્યા હતાં. પરંતુ આજે બીજા દિવસે જ તુટી ગયા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. ખાડાની અંદરથી પાણી વહેતુ થયું છે. અને નળમાં પણ ગટરનાં પાણી આવતા હોવાની સ્થાનિકોએ ફરીયાદ વ્યકત કરી છે.
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ વિસ્તારમાં સ્વામિનાયરાણ મુખ્ય મંદિરથી સેજની ટાંકી સુધીનાં રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. કોર્પોરેશન દ્વારા રસ્તો ખોદી નાખ્યા બાદ મંથરગતિએ કામ ચાલતુ હોય જેને લઈને આ વિસ્તારનાં સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હતી. લોકોમાં તીવ્ર આક્રોષ ફેલાયો હતો અને એક તકે તો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. અને અસરકારક રજુઆતો કરી હતી. દરમ્યાન ખોદેલા રસ્તાના કારણે પાણીની લાઈનો, ગટરની લાઈનો તુટી જવાને કારણે નળનાં પાણીમાં પણ ગટરનું પાણી ભળી જતું હોવાની પણ ફરીયાદો ઉઠી હતી. લોકોની રજુઆતને ધ્યાને લઈ ગઈકાલે નળ કનેકશન રીપેર કર્યા હતાં. પરંતુ આજે ફરી પાછા તુટી જતાં ખાડાની અંદર પાણી નીકળે છે અને નળમાં પણ ગટરનાં પાણી આવે છે. જેથી આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવાની માંગણી ઉઠવા પામી છે.


