સૌ વાર કાશી, એક વાર પ્રાચી : મોક્ષધામ પ્રાચી તીર્થમાં પ્રથમ વખત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ
પ્રાચી તીર્થ ખાતે તા.૧૮થી ૨૬ ઓગસ્ટ સુધી યોજાશે : નવદિવસીય ધામિર્ક આયોજન દરરોજ કથા સાથે મહાપ્રસાદ અને રાત્રે ભજન-સંતવાણીનું પણ આયોજન
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.૧૯
“સૌ વાર કાશી, એક વાર પ્રાચી” તરીકે પ્રસિદ્ધ પવિત્ર પ્રાચી તીર્થધામ ખાતે પ્રથમ વખત હરિહર અન્નક્ષેત્રના લાભાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૮ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ દરમ્યાન યોજાનારા આ નવદિવસીય ધામિર્ક જ્ઞાનયજ્ઞમાં શિવ મહાપુરાણની વિવિધ કથાઓ, પ્રસંગો તથા ધામિર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞના વક્તા તરીકે નારાયણ સરોવર, કચ્છના શાસ્ત્રી શ્રી વિશાલ કૃષ્ણ તરુણભાઈ જોશી ઉપસ્થિત રહી પોતાની મધુર વાણી અને રસસભર શૈલીમાં શ્રદ્ધાળુઓને શિવ મહિમા તથા શિવ ગાથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિવિધ ધામિર્ક પ્રસંગોનું ભાવસભર વર્ણન કરવામાં આવશે. નવ દિવસના કાર્યક્રમોની રૂપરેખામાં કથાના પ્રથમ દિવસે તા. ૧૮ ઓગસ્ટ, મંગળવારના રોજ પોથી યાત્રા તથા દીપ પ્રાગટ્ય સાથે જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. આજ તા. ૧૯ ઓગસ્ટ, બુધવારના રોજ ‘શ્રી શિવ મહિમા’ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાંજે ૬ વાગ્યાથી યોજાશે. તા. ૨૦ ઓગસ્ટ, ગુરૂવારના રોજ ‘શિવ પ્રાગટ્ય’ પ્રસંગનું કથાવાચન સાંજે ૬:૩૦ કલાકે કરવામાં આવશે. તા. ૨૧ ઓગસ્ટ, શુક્રવારના રોજ ‘શ્રી શિવ ચરિત્ર ગાથા’નું આયોજન બપોરે ૩ વાગ્યાથી કરવામાં આવ્યું છે. તા. ૨૨ ઓગસ્ટ, શનિવારના રોજ ‘શ્રી શિવ-પાર્વતી વિવાહ’નો પાવન પ્રસંગ સાંજે ૬ વાગ્યે યોજાશે. તા. ૨૩ ઓગસ્ટ, રવિવારના રોજ ‘શ્રી કાતિર્કેય-ગણેશ પ્રાગટ્ય’ની કથા સાંજે ૬ વાગ્યાથી યોજાશે. તા. ૨૪ ઓગસ્ટ, સોમવારના રોજ ‘શ્રી નવદુર્ગા પ્રાગટ્ય’ની કથા સાંજે ૬ વાગ્યાથી કરવામાં આવશે. તા. ૨૫ ઓગસ્ટ, મંગળવારના રોજ ‘શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા’નું રસપાન શ્રદ્ધાળુઓને કરાવવામાં આવશે. જ્યારે તા. ૨૬ ઓગસ્ટ, બુધવારના રોજ ‘શ્રી શિવ ગાથા વિરામ’ બપોરે ૧૨ કલાકે યોજાશે અને ત્યારબાદ બપોરે ૩ કલાકે દશાંશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધામિર્ક આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દરરોજ રાત્રે ભજન-સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કલાકારો પોતાની મધુર વાણી દ્વારા ભક્તિરસનું પાન કરાવશે. આ ઉપરાંત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ દરમિયાન વિશિષ્ટ મહાનુભાવો પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવશે. આ સમગ્ર શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, પ્રાચી ખાતે કરવામાં આવ્યું છે. કથાનો મુખ્ય સમય બપોરે ૩થી ૬ કલાકનો રહેશે, જ્યારે વિવિધ વિશેષ પ્રસંગો મુજબ સાંજના સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હરિહર અન્નક્ષેત્ર તથા હરિહર ગ્રુપ, પ્રાચી તીર્થ દ્વારા આયોજિત આ પવિત્ર શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી ધર્મલાભ લે અને આ ધામિર્ક આયોજનને સફળ બનાવે તેવો ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે. (તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


