‘બટવારા ૧૯૪૭’ની બોક્સ ઓફિસ પર રફ્તાર ધીમી, ત્રણ દિવસમાં ૩૭.૧૧ કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન
સ્વતંત્રતા દિવસની રજાએ કમાણીમાં ઉછાળો આવ્યો, પરંતુ ત્રીજા દિવસે કલેક્શનમાં મોટો ઘટાડો નોંધાયો
મુંબઈ, તા.૧૯
સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા અભિનિત પિરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ને બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની શરૂઆત મળી નથી. સ્વતંત્રતા દિવસની રજાને કારણે ફિલ્મના બીજા દિવસના કલેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્રીજા દિવસે કમાણી ફરી ઘટી ગઈ છે.
ટ્રેડ ટ્રેકર સેકનિકના આંકડા મુજબ, ફિલ્મે ત્રીજા દિવસે ભારતમાં અંદાજે રૂ.૭.૨૫ કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ત્રણ દિવસમાં ફિલ્મની ભારતની કુલ કમાણી આશરે રૂ.૩૧.૬૧ કરોડ થઈ છે. રવિવારે ફિલ્મના ૭,૨૩૯ શોમાં સરેરાશ ૨૨ ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી.
ફિલ્મે પહેલા દિવસે આશરે રૂ.૫.૭૫ કરોડની કમાણી સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ ૧૫ ઓગસ્ટની રજાનો ફિલ્મને સીધો ફાયદો મળ્યો અને બીજા દિવસે કલેક્શન વધીને લગભગ રૂ.૧૩.૫૦ કરોડ થયું હતું. એટલે કે એક દિવસમાં કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ત્રીજા દિવસે ફરી ઘટાડો થતાં ફિલ્મની શરૂઆતની ગતિ જાળવી રાખવામાં મુશ્કેલી પડી છે.
વિદેશી માર્કેટમાં પણ ફિલ્મનું પ્રદર્શન ખાસ મજબૂત જોવા મળ્યું નથી. ત્રીજા દિવસે ઓવરસીઝમાંથી આશરે રૂ.૨ કરોડની આવક નોંધાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્રણ દિવસમાં ફિલ્મનું વિદેશી કલેક્શન લગભગ રૂ.૫.૫૦ કરોડ સુધી પહોંચ્યું છે. જ્યારે વિશ્વભરમાં ફિલ્મની કુલ કમાણી આશરે રૂ.૩૭.૧૧ કરોડ હોવાનું સામે આવ્યું છે.
‘બટવારા ૧૯૪૭’ને બોક્સ ઓફિસ પર ઇમરાન હાશ્મીની ‘આવારાપન ૨’ સાથે પણ ટક્કર મળી રહી છે. બંને ફિલ્મોના કલેક્શન વચ્ચે હાલમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ ‘આવારાપન ૨’નું વર્લ્ડવાઇડ કલેક્શન રૂ.૧૧૦ કરોડને પાર કરી ગયું છે.
રાજકુમાર સંતોષીના દિગ્દર્શનમાં બનેલી ‘બટવારા ૧૯૪૭’ ખાસ એટલા માટે પણ ચર્ચામાં છે કે સની દેઓલ અને રાજકુમાર સંતોષી લાંબા સમય બાદ ફરી સાથે આવ્યા છે. બંનેની જોડી અગાઉ ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી યાદગાર ફિલ્મો આપી ચૂકી છે.
ફિલ્મની વાર્તા અસગર વજાહતના ૧૯૮૯ના નાટક ‘જિસ લાહોર નૈ વેખ્યા, ઓ જામ્યા એ નૈ’ પરથી પ્રેરિત છે. ભારતના ભાગલા અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો વેગ પકડે છે તેના પર સૌની નજર રહેશે.


