જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિ ધામ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે યોજાયેલ બાબા અમરનાથના દર્શન

અમરનાથ દાદાના દર્શનથી મનને મળે શાંતિ અપાર : પ્રો. પી. બી. ઉનડકટ, ટ્રસ્ટી જલારામ ભક્તિ ધામ મંદિર

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિ ધામ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે યોજાયેલ બાબા અમરનાથના દર્શન

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ ના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે કે, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઝાંઝરડા ચોકડી પાસે આવેલ, જલારામ ભક્તિ ધામ મંદિર ખાતે બાબા અમરનાથના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધામિર્ક આયોજનમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી બાબા અમરનાથના દર્શનનો લ્હાવો લીધો હતો. બાબા અમરનાથની યાત્રા દરમિયાન આવતા વિવિધ પવિત્ર સ્થળોના દર્શનનો અનુભવ ભક્તોને એક જ સ્થળે મળી રહે તે હેતુથી ગિરનારી ગ્રુપ દ્વારા બે વિશેષ પડાવ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં શેષનાગ અને મહાકાલની આબેહૂબ પ્રતિકૃતિ સાથેના ફ્લોટ્સ મુખ્ય આકર્ષણ બન્યા હતા. સાથે જ ભક્તો માટે તૈયાર કરાયેલ સેલ્ફી પોઇન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દર્શનાર્થે આવતા ભક્તોને પ્રસાદીરૂપે રુદ્રાક્ષનો પારો આપવામાં આવ્યો હતો. ઉપરાંત ભક્તો માટે અશ્વિનભાઈ ઘરસંડા, કાનભાઈ ઘરસંડા, નિલેશભાઈ ઘરસંડા તથા ઘરસંડા પરિવાર તરફથી ગરમાગરમ બટેટાની ચિપ્સની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના ૧૨ વાગ્યે શેષનાગ અને મહાકાલની પ્રતિકૃતિઓની ઉપસ્થિતિમાં બાબા અમરનાથની મ્યુઝિકલ બેન્ડ પાર્ટી ના સંગાથે મહા આરતી કરવામાં આવી હતી. જેમાં જલારામ ભક્તિ ધામ મંદિરના પ્રો. પી.બી. ઉનડકટ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ રૂપારેલીયા, યતીનભાઈ કારીયા, ગીરીશભાઈ આડતીયાભાઈ, પ્રવીણભાઈ પોપટ, મનીષભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ મહા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ ભક્તોએ બાબા અમરનાથના દર્શન કરી ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું.  આ ઉપરાંત શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર પ્રસંગે ભગવાન ભોળાનાથની પ્રાર્થના સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૬ બોટલ રક્તની એકત્રિત કરણ કરવામાં આવેલ હતી. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય કેમ્પ અને વાહકજન્ય રોગોના નિયંત્રણ અંગેનું માર્ગદર્શન તથા પ્રદર્શન પણ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.