લોકોને તત્કાલ મદદ પુરી પાડવાનો જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનો અભિગમ
૧૪ માસનાં સમયકાળ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિ જાળવવા અનેકવિધ અસરકારક પગલા લેવાયા
જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢ શહેર અને જીલ્લાનાં જરૂરીયાતમંદ લોકોને તત્કાલ મદદ પુરી પાડવાનો જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનો અભિગમ રહયો છે. જીલ્લામાંથી કયારેય પણ કોઈ નાગરીકે ન્યાય મેળવવા તેમજ પોલીસની મદદ માંગવા માટે જયારે પણ સીધો જ સંપર્ક પોલીસનો કરવામાં આવે છે ત્યારે જરૂરી તમામ મદદ જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા પુરી પાડવામાં આવે છે. જૂનાગઢ જીલ્લાનાં નિખાલસ મીલનસાર અને કાર્યદક્ષ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાને જયારે પણ કોઈ ફોન આવે છે ત્યારે તેઓ તાત્કાલીક ફોન રીસીવ કરી અરજદારોની વ્યથા સાંભળે છે એટલું જ નહી કોઈ કામગીરીમાં જીલ્લા પોલીસ વડા રોકાયેલા હોય અને ફોન રીસીવ ન થયો હોય ત્યારે પણ તેઓએ તાત્કાલીક કન્ટ્રોલ રૂમને સુચના આપે છે અને કોનો ફોન હતો અને જે કંઈ મદદની જરૂર હોય તે પુરી પાડવા સુચના આપેલ છે. ત્યારે જીલ્લા પોલીસ વડાની આ કામગીરીને આવકારવામાં આવી રહેલ છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યાનાં ૧૪ માસનાં સમયગાળા દરમ્યાન જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને અસામાજીક પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી તેમજ અસામાજીક તત્વોની રંજાડ સામે પણ અસરકારક પગલા લેવામાં આવ્યા છે. તહેવારોનાં દિવસો હોય તેમજ ઈમરજન્સી વખતે પણ જીલ્લા પોલીસ તંત્રની કામગીરી પ્રસંશનીય રહી છે. ઉપરાંત શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બની રહે તે માટે શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવ્યા છે. ચોરી, લુંટ, ધાડ, જીવલેણ હુમલા, હત્યા તેમજ ગંભીર પ્રકારનાં ગુનાઓ સામે પણ કડક પગલા ભરવામાં આવ્યા છે. અણઉકેલ ગુનાઓનાં ભેદ ઉકેલવામાં પણ ભારે સફળતા મેળવી છે. તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની કાર્યદક્ષતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કાયદો અને વ્યવસ્થા સંગીન બનાવવા માટેનાં થોકબંધ પગલા લેવાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહી છે. જીલ્લા પોલીસ વડાની આ કામગીરીની પ્રજાજનોમાં પણ સરાહના થઈ રહી છે.


