ટ્રાફીક બ્રીગેડનાં જવાનો પોતાની ફરજ જવાબદારી પૂર્વક નિભાવે : જીલ્લા પોલીસ વડા ઓડેદરા

જૂનાગઢ ટ્રાફીક બ્રીગેડનાં કર્મીઓને રેઈનકોટ વિતરણ સમારોહ યોજાયો

ટ્રાફીક બ્રીગેડનાં જવાનો પોતાની ફરજ જવાબદારી પૂર્વક નિભાવે : જીલ્લા પોલીસ વડા ઓડેદરા

જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ શહેરમાં ફરજ બજાવતાં ટીઆરબીનાં જવાનોને જવાબદારી પૂર્વક ફરજ બજાવવાની ‘શિખ’ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા આપવામાં આવી હતી. અને કાર્યશિલતાને અસરકારક કામગીરી દાખવવા સંદેશ પાઠવ્યો હતો. 
જૂનાગઢ શહેરમાં ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ટ્રાફીક બ્રીગેડનાં જવાનો શહેરનાં મુખ્ય ચોક અને રસ્તા પર પોતાની ફરજ નિભાવી રહયા છે. આવા કઠીન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જૂનાગઢનાં જાગૃત નાગરીક વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. ટીઆરબી જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેઈનકોટ વિતરણનો કાર્યક્રમ ગઈકાલે દોમડીયા વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, ટ્રાફીક પીએસઆઈ જાડેજા તથા જૂનાગઢ મનપાનાં વોર્ડ નં. ૧૧ના તમામ કોર્પોરેટરોની હાજરીમાં ૧૦૦ જેટલા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરવામાં આવેલ હતું. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ ટીઆરબીનાં જવાનોને જવાબદારી પૂર્વક ફરજ નિભાવવા ‘શિખ’ આપી હતી. જીલ્લા પોલીસ વડાએ આ તકે પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રથમ વાર જ ટ્રાફીક બ્રીગેડનાં જવાનોને મળવાનો મોકો મળ્યો છે ત્યારે તેઓએ અસરકારક ફરજ બજાવવા જણાવ્યું હતું. જીલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે જયારે પણ તમે માર્ગ પર ફરજ બજાવો છો ત્યારે કોઈ સાથે વાત કરતા હોવ તો ત્યાંથી પસાર થતાં લોકો પણ નિહાળી રહયા હોય છે. એટલું જ નહીં સીસીટીવી કેમેરાને લઈને નેત્રમ શાખામાં પણ આ દ્રશ્યો જાેવા મળતા હોય છે. લોકો સાથે શાલીનતા પૂર્વક વ્યવહાર દાખવવા જણાવવામાં આવેલ હતું. તેમજ ટ્રાફીક બ્રીગેડનાં જવાનોનાં મહેનતાણામાં તાજેતરમાં જ વધારો થયો છે. ત્યારે આ સેવાને વધુ અસરકારક બનાવવી જાેઈએ. તેમજ તમે યુનિફોર્મધારી છો એટલે પોલીસનો એક ભાગ જ છો. એટલા માટે વધુ વ્યવસ્થિત થઈ ફરજ બજાવવા હાકલ કરી હતી. તેમજ ૭ થી ૮ કલાકની ફરજકાળ અથવા તો કયારેક ઈમરજન્સી સેવા પણ આવતી હોય છે. ત્યારે તમારી પાસે વધુ સારી સેવાની અપેક્ષા રાખવામાં આવે છે. ફરજ દરમ્યાન મોબાઈલમાં આવતા મેસેજ, રીલ્સ જાેવાનું પણ દૂર કરવું જાેઈએ. એટલું જ નહી તમારી આજુબાજુથી પસાર થતાં ઘણા વાહન ચાલકો કે જેઓ કાયદાનો સરેઆમ ભંગ કરતા હોય છે. તેમજ નંબર પ્લેટ પણ ઘણા વાહનોમાં હોતી નથી ત્યારે તેની સામે પણ અસરકારક કામગીરીની જરૂર છે. જૂનાગઢ શહેર ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં આવતા ભાવિકો, પ્રવાસીઓનાં વાહનોને અડચણરૂપ ન થાય અને ટ્રાફીક નિયંત્રણ અસરકારક કરવાની અને તેનું નિયમન કરવા જણાવ્યું હતું. આ સાથે એક મહત્વની વાત પણ જીલ્લા પોલીસ વડાએ દર્શાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ જાતે કોઈપણ માર્ગથી પસાર થતા હોય તે વખતે જયારે પણ કોઈ ઈમરજન્સી સર્જાઈ અથવા તો વાહન પાર્કીંગ કરવાની જરૂર પડે ત્યારે તેઓ પોતે પણ પોતાનાં વાહનને જયાં ત્યાં રાખવાનાં બદલે ટ્રાફીકને નડરતરૂપ ન થાય તેવી રીતે પોતાનું વાહન પાર્ક કરે છે. અને આ રીતે દરેક જવાનોને પણ ‘શિખ’ આપી હતી કે રસ્તા વચ્ચે જયારે તમારૂ વાહન રાખવાનો સમય આવે ત્યારે યોગ્ય રીતે વાહન પાર્ક કરવું. તેમજ આડેધડ વાહન પાર્કીંગ કરતા હોય તેવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.