જૂનાગઢ જીલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તા.૪ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાશે
જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જીલ્લામાં રોજગારીની તકો ઉભી થાય તે માટે મહત્તમ મૂડી રોકાણ આવે તે માટે માર્ગદર્શન કર્યું
જૂનાગઢ, તા.૧
જૂનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને તેના માધ્યમથી રોજગારીની નવી તકો વિસ્તારવા માટે તા.૪ જાન્યુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાશે.
આ વાઇબ્રન્ટ સમિટના સુચારૂ આયોજન માટે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં ઉદ્યોગકારો મહત્તમ રોકાણ કરવા માટે પ્રેરાય તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. ખાસ તેમણે જૂનાગઢ જિલ્લામાં રહેલી સંભાવનાઓને અનુરૂપ ટુરીઝમ તથા રીલીજીયસ ટુરીઝમ, એગ્રો પ્રોસેસિંગના ક્ષેત્રોમાં રહેલી તકોને વધુ વિસ્તાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત મેડિકલ, રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં મૂડી રોકાણ સંદર્ભે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે નવા વિચારો સાથે સ્ટાર્ટ અપ શરૂ થાય, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે, જિલ્લાની ઓળખરૂપ પ્રોડક્ટ વસ્તુઓને નવી ઊંચાઈ મળે તે સહિતની બાબતોને ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટમાં આવરી લેવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત યુવાનો - વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશન શરૂ કરવા માટે પણ જરૂરી મદદ સાથે પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે પણ સવિશેષ ભાર આપ્યો હતો.
જિલ્લા કલેક્ટરે જુદા જુદા અધિકારીઓને પણ પોતાના વિભાગ સંલગ્ન ક્ષેત્રમાં રોકાણના અવકાશને ધ્યાને રાખી વધુ રોકાણ આવે અને એમઓયુ થાય તે માટે પણ સવિશેષ પ્રયત્નો કરવા માટે દિશાનિર્દેશ આપ્યા હતાં.
આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટમાં ઔદ્યોગિક વિકાસ માટે પ્રેરણા મળી રહે તે માટે એક્ઝિબિશન પણ રાખવામાં આવશે, જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત સહિતની પ્રોડક્ટનું સ્ટોલ્સના માધ્યમથી પ્રદર્શન કરવામાં આવશે. આ વાઇબ્રન્ટ સમિટમાં હોટલ એસોસિયેશન, જીઆઇડીસી એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો પણ જાેડાશે. આમ, જિલ્લામાં ઉદ્યોગિક વિકાસના નવા આયામો આપવા માટે પણ પરામર્શ થશે.
આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે તે માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા વિષયોને વણી લઈ નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન કરવામાં આવશે. આમ, આ વાઇબ્રન્ટ સમિટના આયોજનો સંદર્ભે પણ જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ માટે પણ જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.
આ બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
| • જૂનાગઢ જીલ્લામાં રહેલી સંભાવનાઓને અનુરૂપ ટુરીઝમ - રીલીજીયસ ટુરીઝમ, એગ્રો પ્રોસેસિંગ ઉપર વિશેષ ભાર • યુવાનો - વિદ્યાર્થીઓને નવા આઈડિયા વિચારો સાથે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પણ પ્રેરણા અને પ્રોત્સાહન અપાશે • સેમિનારના માધ્યમથી ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે પણ પરામર્શ થશે |


