જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે ધનતેરસ-સોમવારે દીવાળી પર્વની ઉજવણી થશે
ધનતેરસના શુભમુહુર્તે સોનાનાં દાગીના-વાહનોની ખરીદી, દીવાળીનાં શારદાપૂજન, ચોપડા પૂજનનાં કાર્યક્રમો યોજાશે
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીની હારમાળાનો ગઈકાલથી જ પ્રારંભ થયો હતો. આજે ધનતેરસ અને સોમવારે દીવાળી પર્વની ખુબજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. તહેવારોની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. આસો વદ-૧ શનિવાર તા.૧૮-૧૦-રપનાં રોજ એટલે કે આજે બપોરે ૧ર.૧૮ કલાકથી તેરસ તિથીનો પ્રારંભ થયો છે. અને પંચાગ પ્રમાણે આજે બારસનાં દિવસે ધનતેરસ છે. આજના ધનતેરસનાં દિવસે શ્રીયંત્રની પૂજા, ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીનાની પૂજા, લક્ષ્મીપૂજન, વ્યાપારના નવા ચોપડા ખરીદવા, જમીન મકાનની ખરીદી, નવા વાહનની ખરીદી, સોના -ચાંદીની ખરીદી કરવી ઉત્તમ ફળદાયી ગણવામાં આવે છે. ધનતેરસનાં પર્વે શુભમુર્હૂતોમાં જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની સોના-ચાંદી સહીતની વિવિધ બજારોમાં આજે લોકો મોટાપાયે ખરીદી કરી રહયા છે. આજે દાગીનાનું ભારે વેચાણ થઈ રહયું છે. લોકો જરૂરીયાત મુજબ દાગીના શુભ મુહૂર્તમાં ખરીદ કરી રહયા છે. આજે સોના ચાંદીના દાગીના, રીયલ એસ્ટેટ, વાહનોના શોરૂમ, જમીન, મકાનનાં સોદા સહીતનાં શુભ કાર્ય કરી રહયા હોય જેને લઈને તેજીનો દોર શરૂ થયો છે.
આજે લક્ષ્મી દેવીનું પૂજન, ભગવાન ધનંવતરીનું પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. તહેવારોની ઉજવણી સાથે મીઠાઈનું પણ મહત્વ હોય, લોકો સ્વીટ માર્ટ અને ફરસાણની દુકાનોમાંથી ફરસાણ અને મીઠાઈની પણ ખરીદી કરી રહયા છે. ધનતેરસ પર્વ આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહેલ છે. આવતીકાલે તા.૧૯/૧૦/રપ ને રવિવારના દિવસે કાળી ચૌદશ (રૂપ ચૌદશ)ની પણ ભાવપુર્વક ઉજવણી કરાશે. કાળભૈરવ દાદાનાં મંદિરે તેમજ હનુમાનજી મહારાજનાં મંદિરે પૂજા સહીતનાં કાર્યક્રમો યોજાશે. ભકતો દ્વારા કાળી ચૌદશનાં દિવસે ઘરે નૈવેદ કરાશે. મીઠા ભાત, વડાનો પ્રસાદ ધરશે. ઉપરાંત કાળભૈરવ દાદાને પ્રસાદ ધરાવશે. તેમજ હનુમાનજી મહારાજને પણ આંકડાની માળા, અડદ, સિંદુર ચડાવી અને વડાનો પ્રસાદ ધરાવશે અને ભાવપુર્વક દાદાની પૂજા કરશે. જયારે આગામી સોમવારે દીવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરશે. દેવ મંદિરોમાં સવારથી જ પૂજન -અર્ચન, આરતી સહીતનાં કાર્યક્રમો યોજાશે. જયારે ઘરોમાં લક્ષ્મીજીનું પૂજન તેમજ વ્યવસાયી કેન્દ્ર કે ધંધાના સ્થળે વેપારીઓ દ્વારા શારદા પૂજન, ચોપડા પૂજનનાં કાર્યક્રમો યોજાશે.
તેમજ દિવાળી પર્વ પ્રસંગે મહાલક્ષ્મી માતાજીની વિશેષ પૂજા કરવામાં આવશે. રાત્રીના ફટાકડાની આતશબાજી સાથે પ્રકાશનાં પર્વની ઉજવણી થશે. જૂનાગઢ શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં આજે ધનતેરસ અને સોમવારે દીવાળી પર્વની હર્ષોલ્લાસથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.


