દ્વારકામાં નાતાલના વેકેશનને લઈને શ્રધ્ધાળુઓનું ઘોડાપુર : છેલ્લા બે દિવસમાં અંદાજિત એક લાખ જેટલા ભાવિકો ઉમટ્યા
હોટલ, રીસોર્ટ, અતિથિ ગૃહો અને હોમ-સ્ટેના રૂમો હાઉસફૂલ : પ્રવાસીઓને ટ્રાફીકના કારણે નજીકના ગામોમાં જવું પડે તેવી સ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા)
દેવભૂમિ દ્વારકા તા.ર૯
સમગ્ર દેશ - દુનિયામાં નાતાલના વેકેશન માણવાનો પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે ભારતના પશ્ચિમ કિનારે વસેલી ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં તા. ૨૦ ડિસેમ્બરથી જ દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. દેશ વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજયોમાંથી ભાવ, શ્રધ્ધા અને આસ્થા સાથે દ્વારકા આવી પહોંચેલા ભકતોએ ભાવવિભોર થઈને દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ વડા જયરાજસિંહ વાળા, દ્વારકા ડિવિઝનના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ, પ્રાંત અધિકારી અમોલ આવટે, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણ વિગેરેએ દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે અને દ્વારકા ક્ષેત્રની સર્કિટ ઉપર આવતાં તીર્થક્ષેત્રો અને પ્રવાસન સ્થળો પર યાત્રીકોને સુઘડ વ્યવસ્થા મળે તેની કમાન સંભાળી છે. અહીં અધિકારીઓનો હેડ ક્વાર્ટર છોડીને દ્વારકામાં અવિરત મુકામ રહ્યો છે. દ્વારકા ખાતે દર્શનાર્થે આવી રહેલા યાત્રિકોની હકડેઠઠ ભીડને લઈને વિવિધ વેપાર, વ્યવસાય સાથે સંકળાયેલ ધંધાર્થીઓ પણ નજરઅંદાજ થયાનું કહેવાય છે. જેનું કારણ એ છે કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અને ટ્રાન્સપોર્ટેશન અને ઉતારાની વ્યવસ્થા ટૂંકી પડી રહી છે. પરંતુ દ્વારકાવાસીઓ શકય તેટલા પ્રયત્નોથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની વ્યવસ્થા માટે આતુર છે. દ્વારકાના જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો અને શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર ૨૪ કલાક અવર-જવર જાેવા મળી રહી છે. આ નજારો જાેઈને એવું લાગી રહ્યું છે કે દ્વારકા કોઈ મહાકાય શહેરમાં સમાવેશ થયો હોય તેવો આભાસ દ્વારકાવાસીઓ અનુભવી રહયા છે. દ્વારકાધીશ મંદિરમાં પણ મંદિરના વારાદાર પૂજારીઓ પ્રવિણભાઈ, દિપકભાઈ, હેમલભાઈ અને ગુગળી જ્ઞાતિના પંડાઓ દ્વારા વહીવટીતંત્રને સહકાર સાથે દર્શનાર્થીઓ માટે સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે ભીડને લઈને દ્વારકાના ગોમતી ઘાટ ઉપરથી છપ્પનસીડી પસાર થઈને યાત્રીકોને દર્શનાર્થે પ્રવેશ કરવા માટે બેરીકેટીંગ મૂકવામાં આવ્યું છે અને યાત્રીકોને ચુસ્ત સુરક્ષા સાથે જરૂરી ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દ્વારકામાં આવેલી ધાર્મિક સંસ્થાઓ, શંકરાચાર્ય મહારાજની પ્રાચીન શારદાપીઠ, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી શકિતપીઠ, સનાતન સેવા મંડળ, ભારત સેવાશ્રમ, ભકિતધામ આશ્રમ, સ્વામિનારાયણ આશ્રમ, સન્યાસાશ્રમ જેવા અનેકવિધ સંસ્થાઓમાં યાત્રિકોની રહેવાની અને ઘર્મના સત્સંગ માટેની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરાઈ છે. જેને લઈને દ્વારકા નગરની ગલીઓ, મહોલ્લાઓ અને જાહેર સ્થળોમાં સર્કલો ઉપર માત્ર ને માત્ર ધર્મમય માહોલ જ જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગુગળી જ્ઞાતિ સંચાલિત રોજના છ ધ્વજાજીના મનોરથ જગતમંદિરના શિખર પર આરોહણ થતાં મનોરથ ભાવિક ભકતો ભકિત, સંગીત અને શ્રધ્ધાથી મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી આવતી રેલવે માર્ગની સેવાઓ દ્વારકા - રામેશ્વર, દ્વારકા જગન્નાથપુરી, દ્વારકા તુતીકોરીન, ઉત્તરાંચલ એક્ષપ્રેસ, દ્વારકા - નાથદ્વારા, અમદાવાદ - દ્વારકા વંદે ભારત સહિતની ટ્રેનોમાં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે બહોળા પ્રમાણમાં વેઈટીંગ જાેવા મળે છે.
દ્વારકા ખાતે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી હાઈકોર્ટના જજીસ તથા ડિસ્ટ્રીક્ટ જજ અને સુપ્રિમ કોર્ટના જજ નાતાલના મીની વેકેશનમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા હોવાનું પણ
જાણવા મળ્યું છે. જેની વ્યવસ્થા અને પ્રોટોકોલ જિલ્લા વહીવટી તંત્રએ જાળવી રહ્યું છે. તો બીજી તરફ દ્વારકા આવતાં પ્રવાસી યાત્રીકો માટે અઢીથી ત્રણ હજાર જેટલા હોમ સ્ટે, લકઝુરીયસ હોટલ, અતિથિ ગૃહો, આશ્રમો અને ભવનો પણ ટૂંકા પડ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જેના પરિણામે અનેક યાત્રાળુઓ દ્વારકાથી થોડે દૂરના ગામો- શહેરોમાં મુકામ કરી રહ્યા છે.


