જૂનાગઢમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી

અબીલ,ગુલાલનાં રંગો સાથે પરસ્પર સ્નેહ અને મિત્રતાનાં રંગો વડે યુવા વર્ગ દ્વારા રંગોત્સવ ખેલાયો : એક બીજાને પાઠવી શુભકામના

જૂનાગઢમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ તા. પ
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુવા વર્ગ દ્વારા  રંગોત્સવ ખેલી પરસ્પરને  શુભકામના પાઠવી હતી. ખુબજ હર્ષોલ્લાસ સાથે ધુળેટીનો ગુલાલ ઉડાડયો હતો.  સોમવારે હુતાસણી પર્વની આસ્થાભેર ઉજવણી કરાયા બાદ મંગળવારે ચંદ્રગ્રહણનાં કારણે ધોકો મનાવાયા બાદ ગઈકાલે બુધવારે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબજ ઉત્સાહભેર ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 
જૂનાગઢ શહેરની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી જ નાના બાળકો, યુવા વર્ગો સવારથી જ ધુળેટી ખેલવા સજજ બની ગયું હતું. નાના બાળકો દ્વારા સરસ મજાની પીચકારીમાં કલર પુરી અને મસ્તીની ધુમ વચ્ચે એકબીજાને કલર ઉડાડવામાં આવતો હતો તો બાળકોની સાથે ધુળેટી પર્વમાં પરિવારજનો પણ સહભાગી બની એકબીજાને અબીલ, ગુલાલ ઉડાવી  ધુળેટીનો રંગોત્સવ ખેલતા હતા. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પણ યુવા વર્ગ પોત પોતાનાં ગૃપમાં અબીલ, ગુલાલ અને કલરો સાથે એકબીજાનાં ઘરે જતું હતું તો સામ સામે રસ્તા ઉપર મળતી વખતે પણ રંગોની છોળો ઉડાડતા જાેવા મળતા હતા.  
શહેરનાં વિવિધ વિસ્તારોમાં અબીલ, ગુલાલ અને રંગોની છોળો વચ્ચે ધુળેટી પર્વની ઉજવણી કરતા યુવા વર્ગ સહીત લોકો જાેવા મળતા હતા. સવારથી શરૂ થયેલ રંગોત્સવનાં આ કાર્યક્રમની પરાકાષ્ટા તો બપોરના ૧૧ થી ૧ દરમ્યાન આવી હતી. જયાં જુઓ ત્યાં રંગોની છોળો વચ્ચે ધુળેટી પર્વની ઉજવણી થઈ હતી. ગઈકાલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ખુબજ ઉત્સાહભેર ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.