વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ઉભરાતા ગટરનાં ગંદા પાણીથી શ્રધ્ધાળુઓ ત્રાહીમામ

વારંવાર આવી સ્થિતિ સર્જાય પછી તાત્કાલિક કાર્યવાહી કરવી એ ઉકેલ નથી, કાયમી વ્યવસ્થા કરવી જરૂરી

વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ઉભરાતા ગટરનાં ગંદા પાણીથી શ્રધ્ધાળુઓ ત્રાહીમામ

ગીર સોમનાથ તા. ૬
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ફરી એકવાર ગંદકી અને ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યા સામે આવતા જવાબદાર તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભગવાન સોમનાથના દર્શન માટે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને આસ્થાભેર યાત્રા દરમ્યાન ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો આજે વહેલી સવારે જાેવા મળ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા દિગ્વિજય દ્વાર નજીક ગટર ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા પર ગંદા પાણીનો ભરાવો થયો હતો. સવારે આશરે ૮ વાગ્યે સર્જાયેલી આ સ્થિતિમાં મંદિર તરફ જતા માર્ગ પર ગટરનું પાણી વહી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ, ખાસ કરીને વયોવૃદ્ધ અને મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જાેખમી બની ગયો હતો. આસ્થાથી ભરપૂર ભક્તો ભગવાનના દર્શન માટે લાંબી મુસાફરી કરીને આવે છે, પરંતુ તેમને મંદિર નજીક જ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે તે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ ગણાય. ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો જાેઈ યાત્રિકોમાં ભારે કચવાટ અને અસંતોષ જાેવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સમસ્યા નવી નથી. વારંવાર મુખ્ય માર્ગ પર ગટરનું પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ સચોટ આયોજન કે પગલાં લેવાતા નથી તેવું જણાઈ રહ્યું છે. સોમનાથ જેવા વિશ્વપ્રસિધ્ધ તીર્થધામમાં સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ હોવી જાેઈએ ત્યારે અહીં ગટર વ્યવસ્થા જ નબળી હોવાનો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ મુદ્દે મંદિર ટ્રસ્ટ અને પાલિકા તંત્રની ગંભીરતા બેદરકારી આ ઘટના ઉજાગર કરે છે. ઘટનાની જાણ થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ગટર સફાઈ માટે કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ ગંદા પાણીની સફાઈ શરૂ કરવામાં આવી, પરંતુ લોકોનો સવાલ છે કે વારંવાર આવી સ્થિતિ સર્જાય પછી તાત્કાલિક કાર્યવાહી કરવી એ ઉકેલ નથી, કાયમી વ્યવસ્થા જરૂરી છે.