દેશમાં પેટ્રોલ - ડિઝલ - ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ : ભાવ નહી વધારાય : કેન્દ્રની ખાતરી
(એજન્સી) નવી દિલ્હી તા.૦૬ :
ઈરાન સામેના અમેરિકા-ઈઝરાયેલના લશ્કરી આક્રમણ અને તેમાં પુરા ગલ્ફના દેશો સુધી ફેલાયેલી આગ, ઈરાન દ્વારા હોર્મુઝ જે જળમાર્ગ બંધ કરતા ક્રુડતેલ સપ્લાયને પણ થઈ રહેલી અસરથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં થઈ રહેલા વધારા તથા પુરવઠાની અનિશ્ચિતતા
વચ્ચે પણ કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધારશે નહી અને પેટ્રોલિયમ પેદાશોની અછત પણ સર્જાવા દેશે નહી.
દેશભરમાં આ અંગે સર્જાયેલી ચિંતા-ઉચાટમાં સરકારે સ્પષ્ટ કર્યુ છે કે ક્રુડતેલના ભાવ વધ્યા છે. પરંતુ તેની ગ્રાહકોને અસર થવા દેવાશે નહી. સરકારે સ્પષ્ટ કર્યુ છે. દેશમાં ક્રુડતેલ, ગેસ, પેટ્રોલીયમ પેદાશોનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તો કતારમાં જે રીતે ગેસ ઉત્પાદન- સપ્લાય બંધ થઈ છે તો તેના વિકલ્પમાં ઓસ્ટ્રેલિયા-કેનેડાએ ભારતને ગેસનો પુરવઠો ઉપલબ્ધ બનાવવા ઓફર કરી છે.
સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, ગેસની ઉપલબ્ધતા ઓછી થાય તો પણ ઘરેલુ પીએનજી (પાઈપલાઈન-મારફત પુરા પડાતા ગેસ) તથા વાહનોના સીએનજીનો પુરવઠો જાળવી રખાશે તથા ઉદ્યોગોને પ્રાથમીકતાના આધારે ગેસ અપાશે.
દેશમાં ૫૦ દિવસનો પુરવઠો ઉપલબ્ધ છે તો આયાતના વિકલ્પ ચકાસી રહી છે. શીપીંગ અને વિમા કંપનીઓને પણ વધુ પડતા ઉંચા ભાડા- પ્રિમીયમ નહી વસુલવા માટે વાટાઘાટના ટેબલ પર લઈ અવાયા છે.


