વેરાવળ બંદરેથી 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો: 6 આરોપીની ધરપકડ
ગીર સોમનાથ તા.22
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોદી વિસ્તારમાં ગત રાત્રીના અંદાજે 3 વાગ્યાના સુમારે દરિયાઈ માર્ગે લવાયેલા વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
વેરાવળ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પણ દારૂના જંગી જથ્થાના લેન્ડિંગ અને વોચમાં હતો, અને વેરાવળ બંદરમાં જુદી જુદી ફિશિંગ બોટ પર વોચ રાખી રહી હતી. પરંતુ વેરાવળ પોલીસ પહોંચે તે પૂર્વે જ SMCની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. RAM SAGAR–4 (IND-GJ-21-MM-82) નંબરની મહારાષ્ટ્રની ફિશિંગ બોટમાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપાયો હતો, દારૂનો જથ્થો દમણથી દરિયાઈ માર્ગે લવાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.અને પુછપરછ કરવામાં આવી રહી છે.



