સાસણમાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસનું સર્ચ ઓપરેશન : ૩ રિસોર્ટ વિરૂધ્ધ ગુનો દાખલ
જુનાગઢ તા.૩૧
થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને લઈ પોલીસ દ્વારા સજ્જડ અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જુદા-જુદા રિસોર્ટ, ફાર્મહાઉસ તેમજ ફરવા લાયક મોટા ભાગના સ્થળો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે આ દરમ્યાન સાસણ ગીર વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી અને પથીક પોર્ટલમાં મુસાફરોની એન્ટ્રી ન કરનાર ફાર્મ હાઉસના સંચાલકો તેમજ એક રિસોર્ટમાં જાહેરનામા ભંગ અંગે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર નવા વર્ષના સ્વાગત માટે સાસણ ગીર વિસ્તારમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ તકે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને અને ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તેવા ઉમદા હેતુથી પોલીસ દ્વારા હોટલ, ગેસ્ટ હાઉસ અને રિસોર્ટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.જેને લઈ પથિક પોર્ટલ પર એન્ટ્રી ન કરનાર બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત હરીપુર ભાલછેલ રોડ પર આવેલ ધ ગ્રીન ફોરેસ્ટ નામની હોટેલમાં ચેકીંગ દરમ્યાન મુસાફરોના આઈડી પ્રુફ મેળવ્યા ન હોવાનું ખુલતા મુળ ભોજદે ના અને હાલ હરીપુર ગીર ગામે રહેતા જીતેન્દ્ર જાેટવા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની ખાસ સૂચના થી એસ.ઓ.જીની ટીમ સક્રિય બની છે. પોલીસ દ્વારા જિલ્લાના તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને ફાર્મ હાઉસોના રજિસ્ટરો ચેક કરવાની સાથે-સાથે ત્યાં રોકાતા મુસાફરોની વિગતો ઓનલાઇન પોર્ટલ પર અપડેટ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને પથિક વેબ પોર્ટલનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ જ્યારે હોટલ, ગેસ્ટ હાઉસ કે રિસોર્ટમાં રૂમ ભાડે રાખે, ત્યારે સંચાલકોએ તેની સંપૂર્ણ વિગત ૨૪ કલાકની અંદર પોલીસ દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઇન વેબ પોર્ટલ પથિક પોર્ટલમાં દાખલ કરવાની હોય છે. આ પ્રક્રિયાથી કોઈપણ અસામાજિક તત્વો પર નજર રાખી શકાય છે. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સાસણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ટીમે સાસણ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી ૧૫થી વધારે હોટલો, ફાર્મ હાઉસો અને રિસોર્ટમાં પથિક વેબ પોર્ટલની એન્ટ્રીઓનું સ્થળ પર જઈને ક્રોસ વેરીફિકેશન કર્યું હતું. આ તપાસ દરમ્યાન બે ફાર્મ હાઉસમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસ દરમ્યાન માળિયા-સાસણ રોડ પર દેવળીયા પાર્ક પાસે આવેલા ‘માતૃ ફાર્મ‘ અને ‘રાધે ફાર્મ‘ માં રોકાયેલા મુસાફરોની વિગતો પથિક પોર્ટલ પર ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવી ન હોવાનું માલૂમ પડ્યું હતું. સંચાલકો દ્વારા જાહેરનામાનો ભંગ થતો જણાતા પોલીસે તાત્કાલિક કુલદીપ મશરી ડોડીયા અને સુધીર થોભણ ઝાલા વિરુદ્ધ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઇ ડી.કે. સરવૈયા, એ.એસ.આઈ. એમ.વી. કુવાડિયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ મેણસી અખેડ, કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ સિસોદિયા અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશ બકોત્રા જોડાયા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે અન્ય હોટલ અને રિસોર્ટ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સુરક્ષાના કારણોસર મુસાફરોની જાણકારી પોલીસ પાસે રહે તે અનિવાર્ય હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે.


