સોમનાથ મંદિરે ૧૫૦ થી વધુ ફોટોગ્રાફર પરિવારોએ આસ્થાભેર ધ્વજારોહણ કર્યુ

સોમનાથ મંદિરે ૧૫૦ થી વધુ ફોટોગ્રાફર પરિવારોએ આસ્થાભેર ધ્વજારોહણ કર્યુ

વેરાવળ તા.૧૯
વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક ફોટોગ્રાફર પરિવારો દ્વારા પરંપરાગત અને ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રોજી-રોટી રળતા ૧૫૦થી વધુ પરિવારોની આ સામૂહિક શ્રદ્ધા માત્ર ધામિર્ક વિધિ પૂરતી સીમિત ન રહી પરંતુ એકતા, સમર્પણ અને જીવનજરૂરિયાત સાથે જોડાયેલી આસ્થાનું જીવંત ઉદાહરણ બની. આ ધામિર્ક પ્રસંગે અવધુતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલે, ભક્તિગીતો અને મહાદેવના જયઘોષ સાથે આગળ વધતી યાત્રામાં ફોટોગ્રાફર પરિવારો, તેમના પરિવારજનો, તેમજ સોમનાથ મંદિર આસપાસ રોજગાર મેળવનારા પાથરણાવાળા અને ચોપાટી વિસ્તારના વેપારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ભક્તિભાવ અને ઉત્સવનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. સોમનાથ ફોટોગ્રાફર એસો.ના ઉપપ્રમુખ ભરત બામણિયાએ જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી ફોટોગ્રાફરો પોતાની રોજગારીમાંથી ફંડ એકત્ર કરી આ ધામિર્ક આયોજન કરે છે. “સોમનાથ મહાદેવ અમારી આસ્થા સાથે સાથે અમારી રોજીરોટીનો આધાર છે. તેથી મહાદેવના ચરણોમાં ધ્વજા અર્પણ કરી વિશ્વના કલ્યાણ અને અમારા વ્યવસાયમાં સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ,” આ કાર્યક્રમમાં ફોટોગ્રાફરોના આમંત્રણને માન આપી જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તેમના ધર્મપત્ની તેમજ આગેવાનો સહીતનાં ધ્વજારોહણના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.