ઈ-કોમર્સ કંપનીઓનો ભ્રામક ડીસ્કાઉન્ટનો ખેલ ખતમ થશે : સરકાર કડક નિયમો લાવી રહી છે

ઈ-કોમર્સ કંપનીઓનો ભ્રામક ડીસ્કાઉન્ટનો ખેલ ખતમ થશે : સરકાર કડક નિયમો લાવી રહી છે
AI Image

નવી દિલ્હી, તા.૧૨
કેન્દ્ર સરકારે ઓનલાઈન શોપિંગને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નવા ઈ-કોમર્સ નિયમો જાહેર કર્યા છે, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી દેશભરમાં અમલમાં આવશે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આ નિયમો લાખો ઓનલાઈન ખરીદદારો અને ડિજિટલ પ્લેટફોર્મ પર સીધી અસર કરશે, જેનાથી કપટપૂર્ણ ડિસ્કાઉન્ટ અને છૂપાયેલા ચાર્જ સંપૂર્ણપણે બંધ થશે. આ ર્નિણય એટલા માટે જરૂરી હતો કારણ કે ૨૦૨૫માં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર મળેલી ૧૭.૭૧ લાખ ફરિયાદોમાંથી લગભગ ૨૯ ટકા ફરિયાદો ફક્ત ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંબંધિત હતી. નવા નિયમો ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી ઓફર અને સર્ચ હેરફેરથી સુરક્ષા આપશે. બધી ઈ-કોમર્સ કંપનીઓને તેમના સોફ્ટવેર, અલ્ગોરિધમ્સ અને સેલર નીતિઓમાં જરૂરી ટેકનિકલ સુધારા કરવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) (સંશોધન) નિયમો, ૨૦૨૬, ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી અમલમાં આવશે. સુધારેલા નિયમો હેઠળ ઈ-કોમર્સ એન્ટિટીઓએ જ્યારે પણ કિંમત ઘટાડાની જાહેરાત કરવામાં આવે ત્યારે ઘટાડેલી કિંમત અને ‘પહેલાની કિંમત’ જાહેર કરવી પડશે. જૂની કિંમતનો અર્થ એ સૌથી ઓછી કિંમતથી છે જેના પર ડિસ્કાઉન્ટની જાહેરાત થયાના ૩૦ દિવસમાં પ્રોડક્ટ વેચવામાં આવી હતી.