‘જય ગણેશ જય ગણેશ દેવા...’ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ ઉત્સવ ઉજવવા ભારે ઉત્સાહ
પંડાલોમાં ભગવાન ગણેશજીની આકર્ષક મૂર્તિઓની સ્થાપના થશે : વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
જૂનાગઢ તા. ૧ર
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી અંગેની તડામાર તૈયારીઓ પુરજાેશથી હાથ ધરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણપતિજીનું સ્થાપન પંડાલોમાં પધરામણી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
ગઈકાલે ભાદરવી અમાસનાં પર્વની સાથે શ્રાવણ માસ પૂર્ણ થયો છે અને ભગવાન દેવાધિદેવ શિવજીની આરાધના બાદ હવે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા દુંદાળા દેવ વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશજીનાં આગમનને વધાવવા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાદરવા સુદ-૪નાં દિવસે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ હોય અને ગણેશ ચતુર્થીથી જ ગણપતિ ઉત્સવનો પ્રારંભ થતો હોય છે. વિધ્વાન શાસ્ત્રીઓનાં જણાવ્યા અનુસાર તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬નાં સોમવારનાં દિવસે ત્રીજની તિથી સવારનાં ૭.૦૬ કલાક સુધી જ છે. ત્યારબાદ આખો દિવસ અને રાત્રી ચોથની તિથી છે. અને મંગળવારે ચોથની સ્થિતિ સવારનાં ૭.૪૪ કલાક સુધી જ છે. ત્યારે કેટલાક સેવાકીય મંડળો દ્વારા સોમવારથી ગણપતિ ઉત્સવ શરૂ થતો હોય છે. જયારે મોટાભાગે સોમવાર અને મંગળવારથી જ રાજયભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારો તેમજ સોસાયટી વિસ્તારમાં ઉપરાંત એપાર્ટમેન્ટોમાં તેમજ લોકો પોતાના ઘર આંગણે પણ એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, અગીયાર દિવસ માટે ગણપતિ ઉત્સવ મનાવતા હોય છે. અને એક અનેરો ધાર્મિક માહોલ છવાય છે. ગણપતિ ઉત્સવની ઉજવણી આડે ગણતરીનાં કલાકો બાકી રહયા છે ત્યારે જૂનાગઢનાં વિવિધ માર્ગો ઉપર અને બજારોમાં ભગવાન ગણેશજીની આકર્ષક મૂર્તિઓનું વેંચાણ થઈ રહયું છે. લોકો હોંશેહોંશે ભગવાન ગણેશજીની મૂર્તિઓ ખરીદે છે અને શાસ્ત્રોકતવિધિ સાથે ગણપતિજીનાં સ્થાપન સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરશે. આ વર્ષે ૧ર દિવસ સુધી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવશે તેમ જાણવા મળે છે.


