અમદાવાદના ખૂન સહિત ગુનાઓમાં જામીન બાદ કોર્ટની કાર્યવાહીથી ભાગતા ફરાર આરોપી માધવપુરમાંથી ઝડપાયો
ખૂનની કોશિશ, રાયોટિંગ અને હથિયારધારા સહિતના ગંભીર ગુનામાં આરોપી સામે કોર્ટનું BNSS કલમ-૭૨ હેઠળનું વોરંટ હતું
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧ર
અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ, રાયોટિંગ તથા હથિયારધારા સહિતના ગંભીર ગુનામાં નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયા બાદ અદાલતની કાયદેસરની કાર્યવાહી દરમ્યાન હાજર નહીં રહેતા અને કોર્ટ દ્વારા BNSS કલમ-૭૨ હેઠળ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતા ફરાર આરોપીને જૂનાગઢ રેન્જ પોલીસની ટીમે માધવપુરથી ઝડપી પાડયો હતો. ગંભીર ગુનાના આરોપી રમેશલાલ ઉર્ફે મસાણિયો બીજલભાઈ વાઘેલા, રહે. માધવપુર, તા.જી. પોરબંદર અંગે પોલીસને મહત્વની બાતમી મળી હતી. આરોપી નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયા બાદ અદાલતની કાયદેસરની કાર્યવાહી દરમિયાન હાજર નહીં રહેતા તેના વિરૂદ્ધ BNSS કલમ-૭૨ હેઠળ વોરંટ ઇશ્યૂ થયેલું હતું. પોલીસથી બચવા આરોપી નાસતો ફરતો હોવાથી જુનાગઢ રેન્જ પોલીસ ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સંયુક્ત પ્રયાસોથી આરોપી પોતાના રહેઠાણ માધવપુર ગામ, તા.જી. પોરબંદર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વ્યૂહાત્મક રીતે આરોપીને તેના રહેઠાણેથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


