રાજ્યના ખેડૂતોને જેટલું નુકસાન થયું તેટલું પૂરૂં વળતર ચૂકવવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૪માં આપેલું દેવા માફીનું વચન ૧૧ વર્ષે પણ પૂર્ણ થયું નથી : શક્તિસિંહના પ્રહારો
અમદાવાદ, તા.૭
રાજ્યમાં કમોસમી વરસાદથી પાયમાલ બનેલા ખેડૂતોને વહારે આવેલા વિરોધ પક્ષે સરકાર સામે આકરા પ્રહારો કરી પૂરેપૂરા વળતરની માંગ કરવા સાથે ખેડૂતો માટે ‘આક્રોશ યાત્રા’ સોમનાથ ખાતેથી યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને જેટલું નુકસાન થયું છે તેટલું તેમને વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માગ કરી છે. સૌરાષ્ટ્રમાં ઘાસની અછત ઊભી થઈ છે. સરકાર અન્ય રાજ્યમાંથી પણ ઘાસ લાવીને પશુપાલકોને મફતમાં આપે તેવી પણ સરકાર પાસે માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૨૦૧૪નો વીડિયો બતાવીને સરકાર ઉપર આકરા પ્રહાર કરતા તેમણે હ્યું કે, વર્ષ ૨૦૧૪માં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ૧૧ વર્ષ બાદ પણ દેવું માફ થયું ન હોવાનો દાવો કરતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોનું દેવું માફ કરી વચન પૂરૂં કરવામાં આવે તેવી માંગ કરી છે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક કલાકમાં ભાણવડ તાલુકામાં કરશનભાઈ આહિરે આત્મહત્યા કરી, ઉના તાલુકાના એક ખેડૂતે પથ્થરબાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી છે. ભૂખ લાગી હોય ત્યારે કોઈ સંતોષ આપી શકે તો તે ખેડૂતે પેદા કરેલો પાક છે. છેલ્લા કેટલાક વર્ષથી ના જાેઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય જાેઈ નથી. દિવાળી પછીના સમયમાં સતત વરસાદ ક્યારેય થયો નથી. થોડા ઘણા વરસાદમાં ખેડૂતોએ ક્યારેય પણ આત્મહત્યા કરી નથી. ખેડૂતોનો પાક તૈયાર થયો અને વરસાદના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના ચાલી રહી છે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકારે ૨૦૨૦ પછી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરી દીધી છે. આખા દેશમાં પાક યોજનાનો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ૨૦૨૦માં પાક વીમા યોજના બંધ કરી ત્યારે મુખ્યમંત્રી દ્વારા વીમા યોજના જાહેર કરવાની વાત કરવામાં આવી હતી. સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતો પાસે કોઈ રક્ષણ રહ્યું નથી. સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈપણ નાટક વગર ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી અમારી માગ છે. જાે પાક વીમા યોજના હોત તો પૂરે પૂરૂં વળતર મળી ગયું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો ર૦૧૪નો વીડિયો બતાવી સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ૨૦૧૪માં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભાજપની સરકાર બન્યા પછી પહેલી મિટિંગમાં ખેડૂતોનું દેવું માફ કરીશું, પરંતુ તે ૧૧ વર્ષ બાદ પણ થયું નથી. ૨૧ લાખ કરોડ રૂપિયાનું ઉદ્યોગોનું દેવું માફ કરવામાં આવે છે. જે લોકો વિદેશ ભાગી ગયા તેમની લોન માફ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોનું દેવું માફ કરાતું નથી. મનમોહનસિંહની સરકાર વખતે તમામ દેશના ખેડૂતોના દેવું માફ કરવામાં આવ્યું હતું. જેની કુલ રકમ ૭૮ હજાર કરોડ રૂપિયા જેટલી હતી. એ પહેલાં રાજીવ ગાંધીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને રાખી દેવા માફ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ વચન આપ્યું હતું તે પૂરૂં કરવામાં આવે તેવી અમારી માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક એકર દીઠ રૂા.૧૬,૦૦૦ અને રૂા.૧૮,૦૦૦ આપી રહી છે, તો ગુજરાત સરકાર કેમ આપતી નથી ? અત્યારે સર્વેના નામે એક નાટક ચાલી રહ્યું છે. કપાસ જાે ખેડૂતો વહેંચવા માટે જશે તો એક પણ રૂપિયા તેને મળશે નહીં. ખેડૂતોને ખેતરમાંથી ડુંગળી કાઢવાના પણ પૈસા આપવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકાર ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજ જાહેર ના કરે તેવી અમારી માગ છે. પશુપાલકો માટે સૌરાષ્ટ્રમાં ખૂબ ખરાબ હાલત છે. સોયાબીનનો પારો અને સિંગનો પારો પશુઓ ખાતા હતા જે સંપૂર્ણ નાશ પામ્યો છે. જેથી ખેડૂતોને મફત ઘાસ આપવામાં આવે તેવી અમારી માગ છે. આવી સ્થિતિને લઈ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસે કરી છે, ખેડૂત આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ખેડૂત આક્રોશ યાત્રા હોવાથી ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જાેડાયા હતા. પાક વીમા યોજના ગુજરાત માટે કેમ બંધ કરી તેનો સરકારે જવાબ આપવો પડશે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે એવી અમિત ચાવડાએ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાથી આત્મહત્યા સુધીનું પગલું ભરી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાે સરકાર દ્વારા દેવું માફ કરવામાં આવશે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમનો ધારાસભ્ય તરીકેનો પગાર સરકારને સહાય સ્વરૂપે આપશે તેવી અમિત ચાવડાએ મુખ્યમંત્રીને ખાતરી આપી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખૂબ તકલીફમાં મૂકાઈ ગયા છે. ખેડૂતોએ બેન્કના ધિરાણ પણ ભરી શકવાની હાલતમાં ના હોવાની કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ખેડૂતોની આમહત્યાની ઘટનાઓ ગંભીરપણે વધી રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાે સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે અને સરકાર ઉપર આર્થિક બોજ આવી પડે તો તેમાં સહયોગ સ્વરૂપે કોંગ્રેસના તમામ ધારાસભ્યના પગાર આપવાની પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તૈયારી દર્શાવી છે.


