જૂનાગઢમાં ગ્રોફેડ ખાતે મીટર ગેજ રેલ્વે સ્ટેશનનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરાશે

જમીન સંપાદન, રેલ્વે સ્ટેશન માટે માસ્ટર પ્લાન 3 માસમાં તૈયાર થશે : એકાદ વર્ષમાં કામગીરી પુરી કરી લેવાશે : અતુલકુમાર ત્રિપાઠી (ડીસીએમ)

જૂનાગઢમાં ગ્રોફેડ ખાતે મીટર ગેજ રેલ્વે સ્ટેશનનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરાશે

(જગડુશા ડી. નાગ્રેચા)
જૂનાગઢ તા. 28
તાજેતરમાં જૂનાગઢ શહેરને માથાના દુ:ખાવારૂપ બનેલા 7 જેટલા રેલ્વે ફાટકોને દુર કરવાના મહત્વના નિર્ણય અંગેની કેન્દ્રીય રેલ્વે સમીતીએ સત્તાવાર મંજુરી આપી દીધી હોવાના અહેવાલને પગલે જૂનાગઢ અને સોરઠ પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે. શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈનમાં સમયાંતરે આવતા 7 ફાટકોને દુર કરવા માટેનો માસ્ટર પ્લાન રેલ્વે મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહયો છે. તેમજ જમીન સંપાદનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અને આશરે ત્રણેક માસ દરમ્યાન માસ્ટર પ્લાન તૈયાર થઈ જતા જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને અંદાજીત એકાદ વર્ષના સમયગાળામાં ગ્રોફેડ ખાતે મીટર ગેજ રેલ્વે સ્ટેશન કાર્યાવંત બને તેવા નિર્દેશો મળી રહયા છે. વર્ષો પહેલા મીટર ગેજ લાઈનના યુગમાં રેલ્વે ટ્રેનો માટેનો માર્ગ સરળ બનાવવા અને વસ્તીને પણ અડચણરૂપ ન બને તને માટે જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી લઈ વિસાવદર, દેલવાડા સહીતનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રેલમાર્ગ સમય જતા શહેરના મધ્ય વિસ્તારમાં આવી ગયો હતો. વિકાસની દ્રષ્ટીએ અને નવા નવા વિસ્તારોની શરૂઆત થતા જ એક તકે આ માર્ગ ઉપર જુદી જુદી સોસાયટી તેમજ અન્ય વિસ્તારોને સાંકળતા માર્ગો શરૂ થયા હોય જેને લઈને રેલ્વે સ્ટેશનથી ગાંધીગ્રામ સુધીના આ માર્ગ ઉપર સતત 24 કલાક ટ્રાફીકની અવર જવર રહેવા લાગી અને 7 જેટલા ફાટકો પાર કરીને જતી વખતે કયાંકને કયાંક ટ્રેન આવવાના સમયે ફાટકો બંધ થવાની સમસ્યા સર્જાણી અને દિવસમાં અનેકવાર 7 રેલ્વે ફાટકો પૈકીનાં ફાટકો પર ટ્રાફીકજામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જૂનાગઢવાસીઓની ઘણા લાંબા સમયની માંગણી અને રજુઆતના અંતે તાજેતરમાં જ કેન્દ્રના રેલ્વે વિભાગ દ્વારા જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા રેલ્વે માર્ગ ઉપરના ફાટકોને દુર કરવાનો ઐતિહાસીક નિર્ણય લેવામાં આવતા તેમજ શહેરમાં સમાવિષ્ટ એવા 7 રેલ્વે ફાટકો દુર કરવામાં આવશે. તેમજ તેના માટે ગ્રોફેડ ખાતે મીટર ગેજ સ્ટેશન બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો અને તેની જાહેરાત થતા જ સર્વત્ર ખુશીનો માહોલ સર્જાયો છે. રેલ્વે વિભાગે ગ્રોફેડ ખાતે મીટર ગેજ સ્ટેશન બનાવવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આ નવુ મીટર ગેજ સ્ટેશન કયારે શરૂ થશે? અને તેની આગળની કાર્યવાહી કેટલા સમયમાં પુરી થશે તેવો સવાલ આજે ચર્ચાનો વિષય બન્યો છે. દરમ્યાન રેલ્વે વિભાગના ડીસીએમ શ્રી અતુલકુમાર ત્રિપાઠીએ સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરના લોકોની ખાસ કરીને ટ્રાફીક જામની જે સ્થિતિ છે તેને લઈને ભારે પરેશાની વેઠવી પડતી હતી. અને આ મુશ્કેલી હલ કરવા માટેના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રેલ્વે વિભાગ દ્વારા ફાટકો દુર કરવા માટે ગ્રોફેડ ખાતે મીટર ગેજ રેલ્વે સ્ટેશન બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ટ્રાફીકની સમસ્યા તો હલ થશે તેમજ વિકાસની દિશા પણ ખુલવાની છે. વિશેષમાં શ્રી અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ખુબ જ ટુંકાગાળામાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને પરીપૂર્ણ કરવા માટે પણ એક ટાર્ગેટ નકકી કરવામાં આવ્યો છે. જમીન સંપાદનથી લઈ ગ્રોફેડ ખાતે નવનિર્માણ પામનારા મીટર ગેજ રેલ્વે સ્ટેશન માટેના એકશન પ્લાન ઘડી કાઢવામાં આવી રહયો છે. તેમજ અંદાજીત ખર્ચ સહીતની તમામ વિગતો સાથેની એક યોજના ઘડી કાઢવામાં આવશે.  અને તેના માટે આશરે ત્રણેક માસ જેવો સમય લાગી શકે છે. અને સાથે જ ગ્રોફેડ ખાતે નવુ મીટર ગેજ રેલ્વે સ્ટેશન નિર્માણ કરવા માટેની કાર્યવાહી પણ આશરે એકાદ વર્ષ સુધીમાં પુરી કરી લેવાની આશા છે. અને રેલ્વે વિભાગ દ્વારા વહેલી તકે ઉપરોકત કામગીરી ઝડપભેર પૂર્ણ કરી લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.