જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન

ખેડૂતો માટે કામની વાત: છાણિયા ખાતરમાં જીવામૃત ભેળવીને ખેતરમાં નાખવામાં આવે તો જમીન વધુ ફળદ્રુપ બને છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પરંપરાગત દેશી છાણીયા ખાતરને વધુ અસરકારક બનાવવા ખેડૂતોને કરાઈ રહ્યા છે પ્રોત્સાહિત

જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન

જૂનાગઢ તા.12
ઉનાળામાં ખેડૂતો જમીનની ખેડ કરીને આગામી ખરીફ પાક માટે ખેતરને તૈયાર કરતા હોય છે, ખાસ ઘણા ખેડૂતો દેશી છાણીયું ખાતર પણ પાયાના ખાતર તરીકે જમીનમાં નાખતા હોય છે. ત્યારે આ દેશી ગાયના છાણીયા ખાતરની અસરકારકતા વધે તે માટે જૂનાગઢ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દિપક રાઠોડ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત જમીનના વધુ ફળદ્રુપતા અને દેશી છાણીયુ ખાતર વધુ અસરકારક બને તે માટે એક વિશેષ જાગૃતિ અભિયાન આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રાકૃતિક કૃષિના એક આયામ એવા જીવામૃતને ખેડૂતોને પોતાના દેશી છાણીયા ખાતરમાં ભેળવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આમ કરવાથી આ દેશી છાણીયા ખાતરની જમીનમાં અસરકારકતા વધી જાય છે. એક રીતે આ ખાતર ઘન જીવાવૃતમાં પરિવર્તિત પણ થઈ જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જીવામૃત ગૌમૂત્ર, તાજુ છાણ, ગોળ, દાળનો લોટ વગેરે સામગ્રીને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે, જેને નિશ્ચિત સમય અવધી સુધી રાખી મૂકવામાં આવે છે. આમ જરૂરી પ્રક્રિયા અનુસર્યા પછી, તેમાં સૂક્ષ્મ જીવાણુઓ ડેવલપ થાય છે, જે જમીન માટે ખૂબ ફાયદા રૂપ છે અને તેને ખેડૂતોના મિત્ર કીટક પણ કહેવામાં આવે છે. આમાં તૈયાર થયેલા જીવામૃત ને દેશી ખાતરમાં ભેળવવામાં આવે તો જમીન માટે ફાયદારૂપ છે.
તેમણે ઉમેર્યું કે, હાલમાં આત્મા અને પ્રાકૃતિક કૃષિ બોર્ડનો સ્ટાફ ઉપરાંત ગ્રાસ રૂટ લેવલ પર પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ વધારતા 200થી વધુ કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા ખેડૂતોને જીવામૃતથી ઘન જીવામૃત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે સાથે જ જરૂરી તાલીમ અને માર્ગદર્શન પણ આપી રહ્યા છે, આ માટેના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો આ પદ્ધતિથી વાકેફ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, જનઆરોગ્યની સાથે જમીન આરોગ્ય માટે ફાયદારૂપ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જિલ્લામાં હજારો ખેડૂતો અપનાવી ચૂક્યા છે.