પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરથી જીવાત નિયંત્રણ શક્ય

સહજીવી પાકના વાવેતરથી મિત્ર કીટકોની સંખ્યા પણ વધે છે જેનાથી કુદરતી રીતે નુકસાનકારક કીટકોનું થયા છે નિયંત્રણ

પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરથી જીવાત નિયંત્રણ શક્ય
AI Image

જૂનાગઢ તા.૨૯
પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે કે, મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરનું સવિશેષ મહત્વ રહેલું છે, તેની ખાસ જીવાતોના નિયંત્રણમાં તેની અગત્યની ભૂમિકા રહે છે. આ સાથે રોગ જીવાતોના નિયંત્રણ માટે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના પાંચેય સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન કરવું પણ એટલું જ આવશ્યક છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિના મિશનને વ્યાપક બનાવ્યું છે, તેના પરિણામે ગુજરાતના લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક વિશેષતા એ પણ છે કે, ખેતી માટે કોઈ બહારના ઇનપુટનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પરંતુ  કુદરતી જે વ્યવસ્થા છે તેના જ તત્વોનો પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ કરવામાં આવે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રાકૃતિક કૃષિ પુસ્તકમાં ગાય આધારિત ખેતીના ઘટકોમાં એક મુખ્ય પાકની સાથે સહજીવી એટલે કે મિશ્ર પાક પદ્ધતિ પર પણ ભાર આપ્યો છે. તેમણે મુખ્ય પાકની સાથે વાવવામાં આવતા સહજીવી પાકની પસંદગી કઈ રીતે કરવી તે સંદર્ભે પણ વિગતવાર આ પુસ્તકમાં જાણકારી આપી છે.
રાજ્યપાલે તેમના 'પ્રાકૃતિક કૃષિ' પુસ્તકમાં નોંધ્યું છે તે મુજબ, જ્યારે મુખ્ય પાક એકદળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે. ઘઉંની સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે.
જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક તેવો લેવો જોઈએ કે, તેનું મૂળ ઊંડે જતું ન હોય. જેમકે, કપાસ તેમ જ તુવેરનાં મૂળ ઊંડા જાય છે, જ્યારે મગ અને અડદના મૂળ ઉપર રહેતાં હોય છે.
સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી અથવા એક તૃતીયાંશ વય મર્યાદાનો હોવો જોઈએ. એટલે કે, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જતો હોવો જોઈએ. જેમકે, સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવતી શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ વાવી શકાય છે.
સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જેમ કે, સહજીવી પાકના રૂપમાં બધા જ પ્રકારના દ્વિદળ (દાળ વર્ગીય), તરબૂચ, ચીભડા, કાકડી વગેરે લઈ શકાય.
જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય, તો સહજીવી પાક તેવો લેવો જોઈએ કે, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. જેમ કે શેરડીમાં હળદર તેમ જ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય.
મુખ્ય પાક એવો હોય કે, જેનાં પાન ઓછા ખરતાં હોય ત્યારે સહજીવી પાક એવો લેવો જોઈએ કે, જેનાં પાન વધુ ખરતાં હોય જેમકે બધા જ કઠોળ વર્ગના પાકો.
સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થશે જેમકે મકાઇ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો વગેરે.
ઉપરાંત પ્રાકૃતિક કૃષિમાં રોગ-જીવતોના નિયંત્રણ માટે કુદરતી તત્વોનો ઉપયોગ કરીને પાકમાં કેવી રીતે રોગ જીવાત અટકાવવા તે માટેની વિધિ આપવામાં આવી છે. જેમાં ઝેરી, કડવી, તીખી વનસ્પતિઓ વગેરેના ઉપયોગથી નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશ પર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ આપવામાં આવી છે. જેના દ્વારા રોગ - જીવાતોનું નિયંત્રણ શક્ય બને છે.