મથુરા શ્રીકૃષ્ણજન્મ ભૂમિ મંદિરમાં પણ દાનની રકમમાં ઉચાપતનો આક્ષેપ : સીબીઆઈ તપાસની માંગણી

મથુરા શ્રીકૃષ્ણજન્મ ભૂમિ મંદિરમાં પણ દાનની રકમમાં ઉચાપતનો આક્ષેપ : સીબીઆઈ તપાસની માંગણી

મથુરા તા.18:
અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાન-કૌભાંડમાં તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કરવામાં આવ્યું છે ત્યારે શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના પ્રમુખ દિનેશ ફલાહારી મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને લોહીથી પત્ર લખીને મથુરા મંદિરમાં કરોડો રૂપિયાના દાન કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાવવાની માગણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મંદિરની દાનપેટીઓ ખોલતી વખતે CCTV કેમેરા બંધ કરી દેવામાં આવે છે. દિનેશ ફલાહારી મહારાજે આરોપ લગાવ્યો છે કે ‘અમને ડર છે કે શ્રીકૃષ્ણ જન્મસ્થાનમાં અયોધ્યા જેવી જ ગેરરીતિઓ થઈ રહી છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા દાનની રકમ અને ઘરેણાંની વર્ષોથી ઉચાપત થઈ રહી છે. દાનની ગણતરી દરમ્યાન CCTV કેમેરા બંધ કરવામાં આવે છે. 
સમિતિના સભ્યોએ વ્યક્તિગત સંપત્તિ એકઠી કરી છે, જેનાથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ મામલે CBI દ્વારા તપાસ થવી જોઈએ. 
જો મારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો હું પ્રયાગરાજ હાઈ કોર્ટનો સંપર્ક કરીશ.‘શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે ‘આ આરોપો પાયાવિહોણા છે. મંદિર દાન સંભાળવા માટે પારદર્શક પ્રણાલીનું પાલન કરે છે અને અમે કોઈ પણ તપાસ માટે તૈયાર છીએ. દાનની ગણતરીની પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ ૩ કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવે છે અને રેકોડિર્ગ્સ સાચવવામાં આવે છે. અમે સિસ્ટમને વધુ અપગ્રેડ કરી રહ્યા છીએ અને લાંબા સમય સુધી CCTV કેમેરાનું રેકોડિર્ગ્સ રાખીશું. મંદિરના પરિસરની બહાર કોઈ દાન-કાઉન્ટર નથી અને તમામ દાન મંદિર સંકુલની અંદર પ્રાપ્ત કરવામાં આવે છે.‘