ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ પાંચ આરોપીઓ ઝડપાયા : 290 ફરિયાદો સાથે જોડાયેલા બે મ્યુલ એકાઉન્ટમાંથી કરોડોના શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.12
ગીર સોમનાથ જિલ્લા પોલીસે સાયબર ગુનેગારો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં રૂા.310 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમ્યાન સાયબર ઠગાઈ માટે બેન્ક ખાતાઓ ભાડે આપતા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો બહાર આવતા જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે સમન્વય(Samanvay) પોર્ટલ તથા NCCRP પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના વિશ્લેષણ દરમ્યાન શંકાસ્પદ બેન્ક ખાતાઓની ઓળખ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે કેટલાક ખાતાધારકો પોતાના બેન્ક ખાતા સાયબર ઠગોને ભાડે આપતા હતા અને તેના બદલામાં કમિશન મેળવી રહ્યા હતા. તપાસ દરમ્યાન બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં નોંધાયેલા વ્યવહારો ચોંકાવનારા સાબિત થયા હતા. આ ખાતું NCCRP પોર્ટલ પર નોંધાયેલી 193 ફરિયાદો સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અંદાજે રૂા.282 કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ કેનરા બેન્કના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે રૂા.37 કરોડના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ માત્ર બે ખાતાઓ મારફતે જ દેશના વિવિધ રાજ્યોમાં રહેતા 290 જેટલા ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂા.310 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ રકમ વિવિધ ઓનલાઈન ઠગાઈ, રોકાણના નામે છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓમાંથી એકત્ર કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધ્યા બાદ શરૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ, ડિજિટલ પુરાવા અને ટેક્નિકલ એનાલિસિસના આધારે સમગ્ર નેટવર્કની કડીઓ ખુલતી ગઈ હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો રચી સઘન તપાસ હાથ ધરવામાં આવતા વધુ ચાર આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. પોલીસે આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઓપરેશન સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાતના નેતૃત્વમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. પોલીસે જનતાને ખાસ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ પોતાના બેન્ક ખાતા, મોબાઇલ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજો અજાણ્યા લોકોને ભાડે કે ઉપયોગ માટે ન આપે. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓમાં થતો હોય છે અને ખાતાધારકોને પણ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા મ્યુલ એકાઉન્ટ ધારકો અને સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

જયદીપસિંહ જાડેજા (ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા)


