જૂનાગઢમાં છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો

જૂનાગઢમાં છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં જાનથી મારી નાખવાના ઈરાદે છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપીને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. પોલીસની આ ત્વરિત અને સરાહનીય કાર્યવાહીથી શહેરીજનોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજના આશરે ૫.૦૦ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા હરિઓમનગરમાં રહેતા ફરિયાદી અને ઈજા પામનાર રક્ષિતભાઈ હરેશભાઈ ઢોલરીયા(ઉં.વ. ૨૮) ઉપર આરોપી મીલન ગોપાલભાઈ ટીલાળા(ઉં.વ. ૩૫) (રહે. માખિયાળા, તા./જિ. જૂનાગઢ)એ જીવલેણ હુમલો કર્યો હતો. જૂનાગઢ ડીએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદી ઇજા પામનાર રક્ષિત હરેશભાઈ ઢોલરીયા જેને અગાઉ આરોપી મીલન ગોપાલભાઈ ટીલાળા સાથે પારિવારિક ઝઘડો થયેલો. જે બાબતે બંને વચ્ચે સમાધાન થઈ ગયેલું, પરંતુ આ બાબતની અંગત અદાવત રાખી સાંજના ૫:૦૦ વાગ્યે ઝાંઝરડા રોડ ઉપર આ ફરિયાદી રક્ષિત મોટરસાયકલ લઈને આવેલો, તેવા સમયે આરોપી મીલન ટીલાળા ચપ્પુ લઈ આવેલો અને ‘આજે તો તને જાનથી મારી નાખવો‘ છે તેવું કહી તેના પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડેલી. ત્યારબાદ ફરિયાદી રક્ષિત બચવા માટે ભાગવા જતાં ફરી તેના પર હુમલો કરી હાથના ભાગે ચપ્પુ વડે ઇજા પહોંચાડેલી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા તેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગંભીર ગુના અંગે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કાયદાની કલમ ૧૦૯(૧), ૧૧૮(૧), ૩૫૧(૩) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ નોંધાયો હતો. પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પગલાં લીધા હતા. પોલીસ ઇન્સપેક્ટર એ.બી. ગોહીલની રાહબરી હેઠળની ટીમે હ્યુમન સોર્સ (બાતમીદારો) અને ટેક્નિકલ સર્વેલન્સ (તકનીકી દેખરેખ)ના આધારે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી. પોલીસની આ મહેનત રંગ લાવી અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ હુમલામાં સંડોવાયેલા આરોપી મીલન ગોપાલભાઈ ટીલાળાને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ગોહીલની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એમ. વાઢેર અને પોલીસ સ્ટાફના પરેશભાઈ હુણ, કૈલાસભાઈ જાેગીયા, રવિન્દ્રભાઈ વાંક, જેઠાભાઈ કોડીયાતર, રમેશભાઈ કરંગીયા, મુકેશભાઈ મકવાણા, કરશનભાઈ ભારાઈ, રઘુવિરભાઈ જે. સિસોદીયા અને ભુપતભાઈ ધુળા સહિતના કર્મચારીઓએ સંયુક્ત રીતે મળીને કરી છે. આ ટીમે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ત્વરિત કાર્યવાહી દ્વારા ફરી એકવાર જૂનાગઢની પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. 
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તરફથી શરીર સંબંધિત ગંભીર ગુનાઓ આચરનાર અને નાસતા-ફરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જે માર્ગદર્શનના આધારે 
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.બી. ગોહીલના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ સતત સક્રિય અને કાર્યશીલ રહે છે.