દ્વારકા નજીક ખોડીયાર ચેકપોસ્ટ પાસે કારમાં દારૂની હેરાફેરી પકડાઈ, 4 ઝબ્બે
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.3
દેવભૂમિ દ્વારકાની ભાગોળે ખોડીયાર ચેક પોષ્ટ પાસે સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમીના આધારે કારને આંતરી ઇંગ્લીશ દારૂના 260 ચપટાના જથ્થા સાથે ચાર શખસોને પકડી પાડયા હતા.
પોલીસે દારૂ ઉપરાંત કાર સહિત 3.46 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન દારૂ પ્રકરણમાં વધુ એક શખસનુ નામ ખુલતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઈ એન.એચ. જોશીના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી.જે વેળાએ પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મીઠાપુરના સુરજકરાડીમાં રહેતો ધવલ અશોકભાઈ અરિલા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સાથીદારો સાથે બરડીયા ગામથી ખોડીયાર ચેક પોષ્ટ તરફ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ચોકકસ નંબરની કારને આંતરી તલાશી લીધી હતી. જે તલાશી દરમિયાન અંદરથી ઇંગ્લીશ દારૂના 260 ચપટા મળી આવ્યા હતા. આથી પોલીસે કારમાં સવાર ધવલ અરિલા ઉપરાંત ગોપાલ ધનાભા ભગાડ, કાનાભા રવાભા કેર તથા શિવુભા બળુભા પરમાર સહિત ચાર શખસૌને પકડી પાડયા હતા. પોલીસે રૂા. 26 હજારની કિંમતના દારૂ ઉપરાંત ત્રણ લાખની કાર તેમજ ચાર મોબાઇલ સહિત રૂા. 3.46 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પોલીસ પુછપરછ દરમ્યાન દારૂ પ્રકરણમાં ખીમભાઈ ગઢવી નામના શખસની સંડોવણી ખુલી હતી. જેણે દારૂ સપ્લાય કર્યાનુ તપાસમાં સામે આવ્યુ હતું. આથી પોલીસે તમામ સામે ગુનો નોંધીને સપ્લાયર શખસને ફરાર જાહેર કરી તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


