જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ગૌ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની ધરપકડ
ગૌ હત્યાના બનાવના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો : જધન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુર ગામે ગૌ હત્યા કરી અને તેના ટુકડા યુનિવર્સિટી નજીક ફેંકી દેવાના બનેલા બનાવને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગઈકાલે ખડીયા ગામ સજ્જડ બંધ રહ્યું હતું તેમજ ગ્રામજનોએ જીલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવી અને તત્કાલ પગલા ભરવાની માંગણી કરી હતી.
દરમ્યાન આ બનાવના અનુસંધાને પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ગત શુક્રવારે ગૌ વંશની કતલ કરી અને તેનું માંસ પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરીને ડુંગરપુરથી આગળ નવી બનતી નરસિંહ મહતા યુનિવર્સિટીની બાજુમાં જતા કાચા રસ્તાએ જાડી ઝાખરામાં ફેંકી દઈ હિન્દુ ધર્મની લાગણી દુભાવી હતી અને આ બનાવને પગલે ગ્રામજનો તેમજ ગૌ ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને જીલ્લા પોલીસ તંત્રને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ હતું. દરમ્યાન આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એફ.બી. ગગનીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડુંગરપુર ગામ પાસે આવતા તેને હકીકત મળેલ કે, ડુંગરપુર ગામમાં રહેતા અયાન સમીરભાઈ મકરાણી તથા તેના મળતીયાઓએ ગૌ વંશનું કતલ કરી તેનું માંસ પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરીને પોતાના ઘરથી આગળ ડુંગરપુર ગામથી આગળ નવી બનતી નરસિંહ મહેતા યુનિવર્સિટીની બાજુમાં જતા કાચા રસ્તાએ ઝાળી ઝાખરાઓમાં ફેંકેલ તેવી હકીકત મળતા તેની ખરાઈ કરતા સ્થળ ઉપરથી મટનનો જથ્થો તથા ખાલ મળી આવી અને આ જથ્થો ગૌવંશનો છે કે કેમ તેના પરીક્ષણ માટે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવતા તેમણે પરીક્ષણ કરેલ અને પ્રાથમીક દ્રષ્ટીએ ગૌવંશનુ કતલ કરેલ મટનનો જથ્થો હોવાનું જણાવેલ. આ ઉપરાંત મટનના જથ્થામાંથી જરૂરી સેમ્પલ લીધેલ અને આરોપી વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ. દરમ્યાન આ બનાવ ગૌવંશનો હોય અને અન્ય કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે તેને લઈ જીલ્લા પોલીસ વડા તરફથી સત્વરે ગુનો ડીટેકટ કરી અને આરોપીઓને શોધી કાઢવા સુચના આપતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા એલસીબીનો સ્ટાફની વિવિધ ટીમો બનાવી અને આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવામાં આવેલ. પકડાયેલા આરોપીઓમાં અયાન સમીરભાઈ મકરાણી,જાતે બ્લોચ, ઉ.વ.ર૩, ધંધો-રીક્ષા ડ્રાઈવર, રહે.શારદાનગર ખડીયા, હનીફ અબ્દુલાભાઈ બેલીમ, ઉ.વ.પ૮, રહે.શ્રવણ ફળીયા, કોહીનુર ગેરેજની પાછળ અને મકસુદ મહમદભાઈ મકરાણી જાતે બ્લોચ, ધંધો મજુરી, રહે.શારદાનગર ખડીયા વાળાને ઝડપી લઈ અને તેમના વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન ગઈકાલે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ નિરીક્ષણ કરાવ્યું હતું. આમ ગૌવંશનું કતલ કરી જાહેરમાં ફેકનાર આરોપીઓને પોલીસે પકડી ઘટનાસ્થળનું નીરીક્ષણ કરાવ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી રહી છે. અને જેમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આ બનાવના અનુસંધાને વિસ્તૃત વિગત આપવામાં આવી હતી.


