જૂનાગઢ શહેરમાં મામલતદાર કચેરી બહાર બેસવા મુદે તંત્ર અને વકીલો આમને-સામને : ભારે હોબાળો

જૂનાગઢ શહેરમાં મામલતદાર કચેરી બહાર બેસવા મુદે તંત્ર અને વકીલો આમને-સામને : ભારે હોબાળો

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ શહેરમાં સરદારબાગ પાસે આવેલી તાલુકા સેવા સદન-મામલતદાર કચેરી બહાર બેસવા મુદે ગઈકાલે તંત્ર અને વકીલો સામસામે આવી ગયા હતાં. તંત્રએ અનઅધિકૃત રીતે બેસેલા એજન્ટ તેમજ નોટરીને દૂર કરતા ભારે વિવાદ થયો હતો. જેમાં એક નોટરીએ મામલતદાર અને સ્ટાફ સામે હડધૂત કરી સિકકા અને સાહિત્ય કબ્જે કર્યાની લેખીત ફરીયાદ અરજી આપી હતી. જયારે તંત્ર દ્વારા એજન્ટ સામેની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ મુદે જૂનાગઢ બાર એસો.નાં હોદેદારોએ પણ નોટરી સાથે થયેલી ગેરવર્તુણકનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. 
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઈકાલે બનેલા બનાવમાં જૂનાગઢ સરદારબાગ નજીક આવેલા તાલુકા સેવા સદનની ૧૦૦ મીટરની ત્રિજયામાં પરવાનગી વગર બેસવા સામે પ્રતિબંધ છે અને આ અંગેનું જાહેરનામું અમલમાં છે તેમ છતાં અમુક એજન્ટ અને નોટરી મામલતદાર કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં બેસી કામગીરી કરતા હતાં તે દરમ્યાન મામલતદાર તેમજ સટાફે કચેરી બહાર કામગીરી કરતાં નોટરી તેમજ એજન્ટને અપમાનીત કરી ત્યાંથી દૂર કર્યા હતાં અને તેઓનાં સિકકા અને સાહીત્ય કબ્જે કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી સામે નોટરી એમ.એમ. સાદીયાએ મામલતદાર તેમજ તેની ટીમ સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈને લેખીત ફરીયાદ કરી છે જેમાં સાહિત્ય તેમજ સિકકાની પેટીની લૂંટ કરી લીધાનો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. આ બનાવ અંગેની જાણ થતાં જૂનાગઢ બાર એસો.નાં પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝુવાડીયા અને સેક્રેટરી મનોજભાઈ દવે અને બારનાં સભ્યો પણ પહોંચ્યા હતાં. આ અંગે સેક્રેટરી મનોજભાઈ દવેએ જણાવ્યું હતું કે નોંધાયેલા નોટરીને કોઈ અધિકારી કામ કરતા રોકી શકે નહી. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ તેમની ટીમ સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી આપવામાં આવી છે. અને જાે આ અંગે કાર્યવાહી નહી થાય તો બાર એસો. દ્વારા ઠરાવ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જૂનાગઢ તાલુકા સેવા સદન પાસે અરજીઓ લખતા અનઅધિકૃત એજન્ટો પર પ્રતિબંધ : એસડીએમનું જાહેરનામું
જૂનાગઢ શહેરનાં સરદારબાગ ખાતે આવેલા તાલુકા સેવા સદન સંકુલમાં લાયસન્સ વિનાના એજન્ટો કે લહીયાઓ અરજદારની અરજી લખવા બેસી શકશે નહી. અને તે અંગેનું સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળાએ આદેશ કર્યો છે કે તાલુકા સેવા સદન અને તેની આસપાસનાં ર૦૦ મીટરનાં ત્રિજયાવાળા વિસ્તારમાં માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતા પીટીશન રાઈટરો જ અરજી લખવાની કામગીરી કરી શકશે. આ સિવાયનાં કોઈપણ અનઅધીકૃત વ્યકિત કે એજન્ટને અરજીઓ લખવા કે અન્ય કોઈ બિનઅધિકૃત કામગીરી કરવા પર સખ્ત પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ સુધી અમલમાં રહેશે તેમ જણાવેલ છે. અને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે જાે કોઈ વ્યકિત આ નિયમનો ભંગ કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.