પીજીવીસીએલના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર, નાનકડો ઓટો બનાવવા ર૦ હજાર ચૂકવશે !?...

• ભેંસાણ તાલુકામાં ગેરકાયદેસર ધોલાઈ ઘાટોને પણ ખેતીની જમીનમાં કનેક્શનો આપી દેવાયા છે  • જૂનાગઢ શહેરમાં ફોલ્ટ વખતે આખા ફીડરને બંધ ન કરવું પડે એવા ૧૬૦ પાવર ચેન્જર યુનિટો ઓટા પર બનવાનાં છે

પીજીવીસીએલના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર, નાનકડો ઓટો બનાવવા ર૦ હજાર ચૂકવશે !?...

જૂનાગઢ તા.૧
પીજીવીસીએલની કાર્યરીતી ભલે સરકારે કોર્પોરેટ સ્ટાઈલની રાખી હોય જેથી નિર્ણયો ઝડપથી લઈ શકાય અને લોકોની સુવિધાનાં કામોમાં બિનજરૂરી અડચણો ન ઉભી થાય. પણ તેના અધિકારીઓએ જુદા જુદા કામોના બીલોમાં એવી એવી ભ્રષ્ટ રીતરસમો અપનાવી છે કે, તેના બચાવની એકેય દલીલો સામાન્ય નાગરિકનાં ગળે જ ન ઉતરે. તેના થોડા ઉદાહરણો તાજેતરમાં બહાર આવ્યા છે. 
પીજીવીસીએલ દ્વારા એક વિસ્તારના ફીડરમાં ફોલ્ટ ઉભો થાય તો પણ લોકોને પરેશાન ન થાય અને બીજા ફીડરમાંથી વીજ પુરવઠો સતત ચાલુ રાખી શકાય એ માટે ઠેકઠેકાણે પાવર ચેન્જર યુનિટો મૂક્યાં છે. જેને વીજ કંપનીની ભાષામાં આરએમયુ કહે છે. આ આરએમયુના બેઝ એટલેકે ઓટા બનાવવાનું કામ સિવીલ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. ઓટો જુવો તો પણ ખ્યાલ આવી જાય કે, એમાં મસ મોટો ખર્ચ તો નજ આવે. તેને બદલે વીજ કંપનીએ એક ઓટા માટે ચૂકવશે આશરે રૂા. ર૦ હજાર. જૂનાગઢ શહેરમાં આવા ૧૬૦ યુનિટો બનનાર છે. લોકોની સુવિધા માટે આ ખુબજ સારી સીસ્ટમ છે એની ના નહી. પણ એનો અર્થ એવો તો નથી જ કે કોન્ટ્રાક્ટરને તેનાથી લૂંટની પરવાનગી મળી જાય. 

ખેતીવાડી કનેક્શનમાંથી ધોલાઈ ઘાટનો છેડો લગાવી દેવામાં આવે છે
તાજેતરમાં ગેરકાયદેસર ધોલાઈ ઘાટ દ્વારા નદીઓમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આ ધોલાઈ ઘાટો દ્વારા ખેતીવાડી કનેક્શનોમાંથી છેડો લઈને થતી પાવરચોરીની બૂમ પણ ઉઠી છે. જૂનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાના સુખપુર સહિતના ગામોમાં આવા ધોલાઈ ઘાટો ચાલે છે. તેઓને જ્યોતિગ્રામ ફીડરમાંથી પાવર આપવામાં આવતો હોય છે. અને તે ર૪ કલાક ચાલુ હોય છે. પણ તેનો ભાવ અંદાજે ૧૦ રૂપિયા પ્રતિ યુનિટ જેવો હોય છે. આથી ધોલાઈ ઘાટ વાળા ખેતી કનેક્શનમાંથી ગેરકાયદેસર રીતે એક છેડો ભરાવી દે છે. ખેતીવાડી કનેક્શનનો ભાવ યુનિટ દીઠ માત્ર પ૦ પૈસા જ છે. જાેકે, તે ર૪ કલાક નથી ચાલતું. પણ જેટલા કલાક ચાલુ હોય એટલો સમય પણ તેનો ઉપયોગ ધોલાઈ ઘાટવાળાને ઉત્પાદન ખર્ચમાં બહુ મોટો ફાયદો કરાવી દે છે. જાેકે, આ અંગે સુપ્રીટેન્ડિંગ એન્જીનિયર એસ. એચ. રાઠોડ કહે છે, ત્યાં ૩૬ કનેક્શનો છે. જેમાં તાજેતરમાંજ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જાેકે, પાવર તેઓ જ્યોતિગ્રામમાંથી મેળવે કે, ખેતીવાડી ફીડરમાંથી, પણ તેમનું બિલીંગ તો કોમર્શિયલ ભાવ પ્રમાણેજ ચૂકવવાનું હોય છે. 

ટ્રાન્સફોર્મર પાસેની નાનકડી જગ્યા સફાઈ કરવાનાં પ૦૦ રૂપિયા બીલ !..
દરેક વિસ્તારોમાં વીજ સબ સ્ટેશન લગાવવામાં આવે છે. તેની આસપાસ સીમેન્ટ કે લોખંડની પ્રોટેક્શન વોલ પણ મૂકવામાં આવે છે. આ નાનકડી જગ્યા સાફ કરવા માટે પણ વીજ કંપની અધધ પ૦૦ રૂપિયા ચૂકવે છે. એક બંગલાનું કમ્પાઉન્ડ સાફ કરવાનાં પણ આટલા રૂપિયા ન હોય એને બદલે વીજ કંપની દલા તરવાડીની માફક નવા નવા ભાવો નક્કી કર્યેજ જાય છે. જાેકે, આની સામે વીજ અધિકારીઓ કહે છે કે, જેતે વિસ્તારમાં તમામ ટ્રાન્સફોર્મર સાફ કરવાના એક દિવસનું એ વળતર છે, એકનું નહીં.