હરીગીરીની હકાલપટ્ટી બાદ પણ ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની શા માટે નિમણૂંક થતી નથી?

વહીવટી શાસન લાગુ થયાનાં 10 મહીના ઉપરાંત સમય થયો છતાં પણ કોઈ ‘અકળ કારણોસર’ નિમણૂંક માટેની પ્રક્રિયા હાથ નહી ધરાતા સંતો, ભાવિકોમાં રોષ

હરીગીરીની હકાલપટ્ટી બાદ પણ ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની શા માટે નિમણૂંક થતી નથી?

જૂનાગઢ તા. 15
લાખો ભાવિકોની આસ્થાનાં કેન્દ્ર ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની વહેલી તકે નિમણૂંક કરવા માટેની લાગણી અને માંગણી સાધુ-સંતો, ભાવિકોમાં પ્રવર્તી રહી છે. ત્યારે આ બાબતે  સંબંધીત તંત્ર દ્વારા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. 
ગરવા  ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટીમાં બિરાજતાં ભવનાથ મહાદેવ મંદિર કરોડો ભવિકોની આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ દરમ્યાન લાખો શ્રધ્ધાળુ, તેમજ સંતો ભવનાથ મહાદેવનાં દર્શને આવે છે તેમજ શિવરાત્રી અને પરિક્રમાનાં મેળા દરમ્યાન દશ-દશ લાખ ભાવિકો ભવનાથ તળેટીમાં આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. દરમ્યાન ભવનાથનાં તત્કાલીન મહંત હરીગીરીની મુદત પુર્ણ થયાનાં એક દિવસ પહેલા જ તેમને મહંત પદેથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા અને ત્યારથી ભવનાથ મહાદેવ મંદિરની જગ્યામાં કલેકટર દ્વારા વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. હાલ ભવનાથ મહાદેવ મંદિર વહીવટદાર શાસન હેઠળ છે. દરમ્યાન ભવનાથ મંદિરમાં દશેક માસ ઉપરાંતથી વહીવટદાર શાસન અમલમાં રહયું છે. આ સમયગાળા દરમ્યાન 12 થી 15 ફેબ્રુઆરી દરમ્યાન ભવનાથ ખાતે શિવરાત્રીનો પાંચ દિવસનો મેળો પણ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ ગયો હતો. મેળા દરમ્યાન શિવરાત્રીનાં દિવસે મૃગીકુંડમાં ભગવા કપડા પહેરી કિર્તી પટેલએ સ્નાન કર્યાનાં બનાવને પગલે ભારે વિવાદ થયો હતો. કિર્તી પટેલ સામે જુદી જુદી ફરીયાદ પણ નોંધાઈ છે અને કાર્યવાહી પણ થઈ છે. 
દરમ્યાન ભવનાથ મહાદેવ મંદિરનો પરંપરા મુજબ દર વર્ષે વૈશાખ સુદ-15નાં દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે તા.1 મે નાં રોજ વૈશાખ સુદ-15નાં પાટોત્સવની ઉજવણી કરવાનું સરકારી વહીવટી તંત્ર ભુલી ગયું હોય તેમ આ વર્ષે ભવનાથ મહાદેવનો પાટોત્સવ ન ઉજવાતા સંતો-સેવકોમાં રોષની લાગણી ફેલાણી છે. દરમ્યાન સાધુ, સંતોને ભવનાથ ટ્રસ્ટનાં પીટીઆર મુજબ મંદિરની આવકમાંથી સંતોને અનુદાન આપવાનો ઉલ્લેખ છે. પરંતુ વહીવટદાર શાસનમાં શિવરાત્રીનાં મેળાને બાદ કરતા સંતોને ચા-પાણી કે ભોજનની સુવિધા પણ મળતી નથી તેમજ સરકારી શાસનને કારણે મંદિરની આધ્યાત્મિક ગરીમા પણ જળવાતી નથી તેવી ફરીયાદો ઉઠી છે. 
ભવનાથ મહાદેવ મંદિરે વર્ષ દરમ્યાન ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહયો છે. અહીં આવનાર દર્શનાર્થીઓ માટે પણ ચા-પાણી સહીતની સવલતો ઉભી કરવાની જરૂર છે. ઉપરાંત સાધુ-સંતો માટે ભોજન, રહેવા માટેની સવલતો જરૂરી બની છે. પરંતુ સરકારી વહીવટ હેઠળ મંદિર આવેલું હોય જેથી કોઈ સવલતો આપવામાં આવતી નથી તેવો સુર વ્યકત થઈ રહયો છે. ભવનાથ મહાદેવનાં મહંત પદ નિમવા માટેની પ્રક્રિયા શા માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી નથી તેવો સવાલ પણ ઉઠી રહયો છે. સાધુ, સંતો અને સેવકોની એવી લાગણી છે કે, ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત તરીકે પૂજનીય સંત અથવાતો ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ લાયક સાધુ સંતને મહંત પદ આપવામાં આવે અને મંદિરનાં નીતિ-નિયમ મુજબ સંતો-સેવકોને સુવિધાઓ પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તત્કાલ આ અંગે ઘટતી કાર્યવાહી કરે અને ભવનાથ મંદિરનાં મહંત તરીકેની વહેલી તકે નિમણૂંક કરી સરકારી તંત્રથી મુકત કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.