જૂનાગઢ : બેકાબૂ બનેલી એસટી બસે કાર અને રિક્ષાને અડફેટે લીધી:કારમાં સવાર મહિલાના હાથે ગંભીર ઈજા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૧
જૂનાગઢમાં ગઈકાલે બનેલા એક બનાવમાં બેકાબુ બનેલી એસટી બસને કાર અને રીક્ષાને હડફેટે લેતા એક મહિલાને ઈજા પહોંચી હતી.
આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢના ઝાંસીના પૂતળા પાસેથી પસાર થઈ રહેલી એસટી બસ બેકાબૂ બનતા નાસભાગ મચી હતી. બસની અડફેટે એક રિક્ષા અને કાર આવી જતા નુકસાન થયું હતું. જ્યારે બે લોકોને પણ સામાન્ય ઈજા થઈ હતી. વાહનોને અડફેટે લીધા બાદ બસ નજીકની દિવાલમાં ટકરાઈને ઉભી રહી ગઈ હતી. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.
જૂનાગઢ-પોરબંદ રૂટની બસ ગઈકાલે બપોરના સમયે જૂનાગઢ શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બેકાબૂ બનતા નાસભાગ મચી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલી એક રિક્ષાને ટક્કર માર્યા બાદ રોડની સાઈડમાં ઉભેલી એક કાર સાથે અથડાઈ હતી ત્યારબાદ બસ નજીકની એક દિવાલ સાથે અથડાતા ઉભી રહી ગઈ હતી.
દરમ્યાન ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસની બ્રેક ફેલ થયા બાદ ડ્રાઈવરે બસને કાબૂમાં કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ સમયે બે ત્રણ વાહનો અડફેટે ચડી ગયા હતા. ત્યારબાદ ડ્રાઈવરે દિવાલ સાથે બસને ટકરાવી ઉભી રાખી હતી.


