પ્રશ્નાવડા ગામમાં 45 વર્ષ જૂના મહાકાય વૃક્ષમાં એસિડ નાખવાની ઘટના, સીસીટીવીમાં કેદ થયેલા શખ્સો સામે કાર્યવાહીની લોકમાંગ

પ્રશ્નાવડા ગામમાં 45 વર્ષ જૂના મહાકાય વૃક્ષમાં એસિડ નાખવાની ઘટના, સીસીટીવીમાં કેદ થયેલા શખ્સો સામે કાર્યવાહીની લોકમાંગ

(ભોળા જાદવ દ્વારા)
લોઢવા, તા.4 
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તા.25 મીની મધ્યરાત્રિએ અંદાજે 2:00 વાગ્યાના આસપાસ બસ સ્ટેન્ડથી મુખ્ય બજાર તરફ જતા માર્ગ પર આવેલા આશરે 45 વર્ષ જૂના મહાકાય વૃક્ષમાં કેટલાક અસામાજિક તત્વોએ એસિડ નાખ્યું હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સીસીટીવી ફૂટેજમાં ઘટનામાં સંડોવાયેલા શખ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તેથી સંબંધિત તંત્ર ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમની સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટનાના કારણે વર્ષો જૂના વૃક્ષને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. ગામના પર્યાવરણ અને હરિયાળી માટે મહત્વ ધરાવતા આ મહાકાય વૃક્ષને નુકસાન પહોંચાડવાની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે.
સ્થાનિક લોકોએ વન વિભાગ, પોલીસ વિભાગ તથા સંબંધિત તંત્રને ઘટનાની તાત્કાલિક તપાસ કરીને જવાબદાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વૃક્ષને બચાવવા માટે નિષ્ણાંતોની મદદથી જરૂરી સારવાર અને સંરક્ષણના પગલાં તાત્કાલિક લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પર્યાવરણનું સંરક્ષણ સૌની જવાબદારી છે. આવા અસામાજિક કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.