પ્રાચી તીર્થ ખાતે મેઘરાજા મહેરબાન, ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા, ખેતરોમાં પાણી ભરાયા
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.4
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પ્રાચી પંથકમાં પણ મેઘરાજાએ મહેરબાની કરી છે. વહેલી સવારથી જ પ્રાચી તીર્થ ખાતે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદ વરસાદે ગતિ પકડતા સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાચી ઉપરાંત ઘંટીયા, આલીદ્રા, વાસાવડ, કુંભારીયા, અમરાપુર, સરા, ગાગેથા, પીપળવા, રંગપુર, પિખોર, સેમળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસતા વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા અને ખેતરો પણ તરબતર થઈ ગયા હતા. વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આશાનું કિરણ જોવા મળ્યું છે. લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી ધરતી ભીંજાઈ જતા પાકને લાભ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાચી તીર્થ અને આસપાસના વિસ્તારોમાં વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક સાથે તાજગી પ્રસરી છે. સ્થાનિક લોકો દ્વારા મેઘરાજાના આગમનને આવકારવામાં આવ્યું છે અને વધુ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી હતી.


