અમદાવાદ પોલીસ જાગી : ચાંગોદર ખાતે બે ગેરકાયદેસર ગોડાઉનમાંથી રૂા.39.57 કરોડના ફટાકડા જપ્ત : બેની ધરપકડ
અમદાવાદ તા.21
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10 લોકોના મોત બાદ પોલીસ સફાળી જાગી છે. આજે અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા છે. જેમાં રૂા.39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે. પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફટાકડાના ગોડાઉન માલિકની શિવરંજનીમાં અંબિકા ફટાકડા નામથી દુકાન ધરાવે છે. આ ઉપરાંત બરોડા અને બાવળામાં પણ અંબિકા ફટાકડા નામથી દુકાન આવેલી છે.
ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે. પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના બે ગોડાઉન પર રેડ કરી હતી. આ બંને ગોડાઉન સામ સામે આવેલા હતા. આ બંને ગોડાઉનમાંથી નાના-મોટા કાર્ટુનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો. જે જપ્ત કરવામાં આવ્યો છે.


