માંગરોળનાં કોઠલીયાથી લિમડાચોક સુધીનાં હાર્દસમા રોડને વિકાસના નામે ખોદી નાખતા લોકોમાં ભારે રોષ
શહેરના મુખ્ય માર્ગો પર મોટા પથ્થરો, માટીના ઢગલા અને ઉંડા ખાડા સામ્રાજ્ય જમાવીને બેઠા છે : ગટર યોજનાના બહાને છેલ્લા પંદર વર્ષથી એકપણ રોડ બનાવવામાં આવ્યો નથી : જનતાને સારા રોડ રસ્તાઓની સુવિધા ક્યારે મળશે ?
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.21
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છેલ્લા દોઢ દાયકાથી ગટર યોજનાના બહાને કોઈ પણ રોડ બનાવવામા આવ્યા નથી. પંદર વર્ષ પછી પણ સંવેદનશીલ સરકારમાં ગઠર યોજનાના હજું સુધી કોઈ ઠેકાણા નથી, ત્યાં જે રસ્તાઓ થોડે ઘણે અંશે ઠીકઠાક છે તેને પણ હવે પાઈપલાઈનના બહાને બેફામ રીતે ખોદકામ કરીને તોડવામાં આવી રહ્યા છે. અને આડેધડ રીતે ઢાંકી દેવાતા રસ્તાઓમા ચારે બાજુ ખાડાઓ, રોડાઓ અને ટેકારાઓનું સામ્રાજ્ય બન્યુ છે. જેના કારણે રાહદારીઓ માટે ભારે જાેખમ ઉભૂ થયું છે. આવી જ દ્વિધાને લઈને કોઠલીયા લિમડાચોક વિસ્તારના હોસ્પિટલ સંચાલકો, દુકાનદારો, અને રાહદારીઓએ પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆત કરી સાત દિવસમાં રસ્તાનું કામ પૂર્ણ કરવા ચિમકી આપી છે.
લેખિત ફરિયાદમાં જણાવેલ છે કે, માંગરોળ નગરપાલિકા દ્વારા આશરે ત્રણ મહિના અગાઉ પાઈપલાઈન નાખવાના બહાને લીમડા ચોક થી લઈને શાપુર દરવાજા સુધીનો મુખ્ય રોડ ખોદવામાં આવ્યો હતો. પરંતુ આ રસ્તાને યોગ્ય રીતે સમથળ કરવામાં આવ્યો નથી. હાલમાં આ આખા માર્ગ પર મોટા પથ્થરો, માટીના ઢગલા અને ઊંડા ખાડા સામ્રાજ્ય જમાવીને બેઠા છે, જેના કારણે આ આખો રસ્તો "અકસ્માત ઝોન" બની ગયો છે.
આ માર્ગ શહેરનો મુખ્ય અને અત્યંત જીવંત રસ્તો છે, જ્યાંથી દરરોજ અંદાજીત 2500 થી 3000 જેટલા નાના-મોટા વાહનો પસાર થાય છે. રસ્તાની આવી દયનીય સ્થિતિના કારણે હજારો વાહનચાલકો દરરોજ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. લીમડા ચોક થી શાપુર દરવાજા વચ્ચે આશરે 7 થી 8 હોસ્પિટલો આવેલી છે, જેમાં 3 ગાયનેક (પ્રસૂતિ) હોસ્પિટલ પણ છે. આ ઉપરાંત શાળા, મંદિર અને મસ્જીદ જેવા ધાર્મિક સ્થળો પણ આ જ રસ્તા પર આવેલા છે. ગાયનેક હોસ્પિટલમાં આવતી સગર્ભા મહિલાઓ માટે આ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું અત્યંત જાેખમી છે. કોઈપણ સમયે કોઈ મોટી શારીરિક હોનારત કે કસુવાવડ થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પણ આ રસ્તાને કારણે ખોરવાય છે.
થોડા દિવસો અગાઉ માંગરોળમાં પડેલા ભારે વરસાદ દરમિયાન આ રસ્તા પર 3 થી 4 મોટા વાહનો ખુંચી ગયા હતા, જેને બહાર કાઢવા માટે જેસીબી (JCB) ની મદદ લેવી પડી હતી. આ સિવાય 2 થી 3 બાઈક સ્લીપ થવાના કિસ્સા બન્યા છે, જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણ-ત્રણ મહિના સુધી તંત્ર દ્વારા આવી ઘોર બેદરકારી દાખવવામાં આવે તે જનતાના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે. શાળાએ જતા નાના બાળકો, ધાર્મિક સ્થળોએ જતા વડીલો અને દર્દીઓ દરરોજ અહીં હેરાન થઈ રહ્યા છે.
આ પત્ર મળ્યેથી આગામી 7 દિવસની અંદર જાે લીમડા ચોક થી શાપુર દરવાજા સુધીના આ રસ્તાનું રીપેરીંગ કામ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના સમસ્ત રહીશો, વેપારીઓ, શાળાના સંચાલકો અને ડૉક્ટરો દ્વારા નગરપાલિકા કચેરી સામે ઉગ્ર ધરણાં પ્રદર્શન કરવામાં આવશે તેમજ આ બિસ્માર રસ્તા પર 'રસ્તો રોકો આંદોલન' કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી નગરપાલિકાની આ ઘોર બેદરકારીના પુરાવાઓ સાથે સામૂહિક લેખિત ફરિયાદો મોકલવામાં આવશે, જેની તમામ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નગરપાલિકા વહીવટી તંત્રની રહેશે. તેવી લેખિત ફરિયાદમાં ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
એક તરફ ગટર યોજનાના બહાને શહેરમાં રસ્તાઓ બનાવવામા આવતા નથી અને ગટર યોજનાના ખાતમુહૂર્ત છતા કોઈ કામગીરીના ઠેકાણા નથી. ત્યારે પાઈપલાઈન નાખવાના નામે શહેરમાં બેફામ રીતે ખોદકામ થઈ રહ્યું છે. વળી ગટર યોજના ના નામે ફરી નવું ખોદકામ શરૂ થાશે શું..! તો ગટર યોજના અને પાઈપલાઈન બંન્ને નું ખોદકામ એકસાથે કેમ નહિ..? આખરે માગરોળની જનતાને સારા રોડ રસ્તાઓની સુવિધા ક્યારે મળશે..? કે પછી એક આખી પેઢીને ફક્ત ખોદકામ જ જાેવાનું રહેશે...? તેવા વેધક સાવલો લોકો મુખે ચર્ચાઈ રહ્યા છે.


