દસ્તાવેજ નોંધણીમાં પડતી મુશ્કેલીઓ નિવારવા જૂનાગઢ જીલ્લા રેવન્યુ, પ્રેકટીશ્નર્સ એસોસીએશન દ્વારા આવેદનપત્ર અપાયું

લોગઈન, ઓટીપી વેરીફીકેશન, આધારકાર્ડ સહીતનાં પ્રશ્નો અંગે રજુઆત

દસ્તાવેજ નોંધણીમાં પડતી મુશ્કેલીઓ નિવારવા જૂનાગઢ જીલ્લા રેવન્યુ, પ્રેકટીશ્નર્સ એસોસીએશન દ્વારા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. ર૦
જૂનાગઢમાં રેવન્યુ પ્રેકટીશ્નર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, નોંધણી નિરીક્ષક તેમજ ઉચ્ચકક્ષાએ રજુઆત માટે એક આવેદનપત્ર વહીવટી તંત્રને પાઠવવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં જણાવેલ છે કે જૂનાગઢ શહેરમાં રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલો, બોન્ડરાઈટરો, સ્ટેમ્પ વેન્ડરો અને સબ રજીસ્ટ્રાર કચેરીને લગતા તથા સીટી સર્વે કચેરી તેમજ મામલતદાર કચેરી વગેરે કામો કરે છે અને છેલ્લા કેટલાક સમય થયા ગરવી પોર્ટલમાં ટેકનીકલ ખામીથી દસ્તાવેજ નોંધણીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. જે અંગે રજુઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે. વધુમાં જણાવ્યા અનુસાર દસ્તાવેજ નોંધણી પૂર્વે ગરવી પોર્ટલમાં નોંધણી કરાવવી પડે છે. ડીજીટલાઈઝેશન બાદ ટેકનીકલ ખામીઓના કારણે દસ્તાવેજ નોંધણીમાં મુશ્કેલી થઈ રહી છે. પોર્ટલમાં મોબાઈલ નંબર ઓટીપી વેરીફીકેશન નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ સમયસર ઓટીપી મેસેજ મળતા નથી જેથી નવેસરથી પ્રક્રિયા કરવી પડે છે. બે વખત નંબર આપ્યા બાદ ત્રીજી વખત લોગઈન કરી શકાતો નથી. લોગઈન વખતે અગાઉ રકમ, સર્વે, લે-વેચની વિગત સુધારી શકાતી હતી પરંતુ હવે એક વખત વિગતો નોંધી દીધા બાદ તેમાં સુધારો થઈ શકતો નથી. ગરવી ર.૦માં પ્રોગ્રામમાં પેમેન્ટ કર્યા બાદ બુકડ મેસેજ આવી જાય છે પરંતુ ૪૮ કલાક સુધી સકસેસ મેસેજ આવતો નથી. દસ્તાવેજ નોંધણી વખતે ફરજીયાત આધાર કાર્ડ રજુ કરવાનો નિયમ લાગુ કરાયો છે. પરંતુ ગ્રાહકો ડોકયુમેન્ટ રજુ કરવામાં આનાકાની કરે છે. જેના કારણે રજીસ્ટ્રેશન કરવામાં અધિકારીઓ સાથે ચડભડ થાય છે. મિલકત ટાઈટલ નકકી કરવાની જવાબદારી કોર્ટ અને વકીલોની હોય છે. સબ રજીસ્ટ્રારને માત્ર રજીસ્ટ્રેશન ઓથોરીટી હોય છે. ટાઈટલ ચોક કરવાના હોતા નથી જેથી દસ્તાવેજ નોંધણીમાં વિસંગતતા સર્જાય છે. દસ્તાવેજી કચેરીના કર્મીઓએ પડતર પ્રશ્નો અંગે આંદોલન શરૂ કર્યુ છે તેને રેવન્યુ પ્રેટીશ્નર્સ અસો.ને ટેકો જાહેર કૃયો છે. જૂનાગઢ જીલ્લા રેવન્યુ પ્રેકટીશ્નર્સ એસો. દ્વારા ગરવી પોર્ટલમાં થઈ રહેલ ટેકનીકલ ખામીઓ નિવારવા તથા દસ્તાવેજી પ્રક્રિયામાં સરળતા લાવવા નિયમમાં ફેરફાર લાવવાની માંગ અંગે નોંધણી નિરીક્ષકને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.