જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી રૂા.2.95 લાખની કિંમતના 5.9 કિગ્રા ગાંજાના જથ્થા સાથે યુપીનો શખ્સ ઝડપાયો
જૂનાગઢ તા.8
જૂનાગઢ એસઓજીએ કરેલી કાર્યવાહીમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના શખ્સને રૂા.2.95 લાખની કિંમતના 5.900 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઉત્તરપ્રદેશના ગાજીપુર ખાતેથી ગાંજાે (મેરીજુઆના હસીસ)નો 5.900 કિલોગ્રામનો જથ્થો લઈ ઉત્તરપ્રદેશનો શિવમ રમેશ બીન્દ નામનો યુવાન આવી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજીએ વોચ ગોઠવી રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી આ શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો આરોપી શીવમ રમેશ બીન્દ જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારમાં મામાદેવ મંદિરની બાજુમાં આવેલ અમુલ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતો હોવાનું જયારે તેનું મુળ વતન ગામ મનવાપુર, તા.જી. ગાજીપુર, રહે.ઉત્તરપ્રદેશનો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ શખ્સ ગાંજાનો જથ્થો જૂનાગઢ શહેરમાં જમાલવાડી ખાતે રહેતા સફુ ઉર્ફે સરફરાજ અબુ કુરેશી નામના શખ્સને વેંચવા માટે લઈ આવ્યો હતો. જે અંગેની બાતમીના આધારે એસઓજીએ ગત રાત્રીના સુમારે જૂનાગઢ રેલ્વે સ્ટેશન સામે સરદાર ગેટ નજીકથી ઝડપી લીધો હતો. જયારે જેને ગાંજાના જથ્થાની ડીલેવરી આપવાની હતી તે સફુ ઉર્ફે સર્ફરાજ અબુ કુરેશીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


