ઈરાન-અમેરીકા યુધ્ધને કારણે વિશ્વભરમાં મોંઘવારીનો બોમ્બ ફાટયો : વૈશ્વિક અર્થતંત્ર બેહાલ
વોશિંગ્ટન તા.8:
વિશ્વના નકશા પર હોર્મુઝની ખાડી માત્ર એક જળમાર્ગ નથી, પણ વૈશ્વિક વેપારની જીવાદોરી છે, જે અત્યારે ઈરાન-અમેરિકાના સંઘર્ષને કારણે ગૂંગળાઈ રહી છે. દુનિયાનું 20 ટકા ક્રૂડ જ્યાંથી પસાર થાય છે તે રસ્તો બંધ થતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલના ભાવ 73 ડોલરથી ઉછળીને સીધા 120 ડોલરને પાર કરી ગયા છે. આ ઉછાળાની અસર એવી છે કે ફ્રેન્ચ ચિતક મોન્ટેસ્કુનું વિધાન શાંતિ એ વેપારની અનિવાર્ય શરત છે આજે અક્ષરશ: સાચું સાબિત થઈ રહ્યું છે. ઈરાનમાં ફુગાવો એટલો બેકાબૂ બન્યો છે કે સરકારે ઈતિહાસની સૌથી મોટી ‘એક કરોડ રિયાલ‘ની નોટ બહાર પાડવી પડી છે, જેની ભારતીય ચલણમાં કિમત માંડ 700 રૂપિયા જેટલી જ થાય છે. આ આર્થિક પતન સૂચવે છે કે યુદ્ધ માત્ર સરહદો પર જ નથી લડાતું, પણ તે સામાન્ય જનતાના ખિસ્સા પર પણ સજિર્કલ સ્ટ્રાઈક કરે છે. મહાસત્તા અમેરિકા, જે અત્યાર સુધી પોતાની આર્થિક મજબૂતીના બણગાં ફૂંકતું હતું, તે પણ હવે મોંઘવારીના ભરડામાં આવી ગયું છે. ગેસ અને પેટ્રોલિયમની કિમતોમાં 21 ટકાનો તોતિગ વધારો થતાં અમેરિકામાં મોંઘવારી ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભલે ગાલ લાલ રાખીને ફરતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરો ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. આ જ હાલત યુરોપના 21 દેશોની છે, જ્યાં રશિયાનો ગેસ બંધ થયા બાદ અમેરિકા પરની ર્નિભરતા મોંઘી પડી રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકના મતે જો આ સ્થિતિ વધુ એક મહિનો ચાલશે, તો પરિવહન મોંઘું થવાને કારણે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબશે અને યુરોપનો ગ્રોથ રેટ તળિયે બેસી જશે.


