જૂનાગઢમાં આજે ભગવાન શ્રી રામની નગરચર્યા- લોકોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢમાં આજે ભગવાન શ્રી રામની નગરચર્યા- લોકોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ, તા.ર૬
કરોડો ભાવિકોના હ્ય્દયમાં બીરાજતા મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની આજે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભકિતભાવ સાથે ભારે ઉત્સાહમય ઉજવણી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગને શણગાર કરવામાં આવેલ છે અને ર૦ જેટલા ભવ્ય સ્વાગત ગેટ ઉભા કરવામાં આવેલ છે. સનાતન ધર્મ અને જયશ્રી રામના બેનરો લગાડવામાં આવ્યા છે અને આજે શોભાયાત્રા યોજવામાં આવશે. રામનવમીનાં પાવનકારી પર્વ એટલે ભગવાનશ્રી રામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવને  દરવર્ષે ભારે ઉત્સાહભેર મનાવવામાં આવે છે. હરીૐ  ગૃપ દ્વારા આ વર્ષે પણ અનેક વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં રામનવમી ઉત્સવની ઉજવણીનો ગઈકાલથી જ પ્રારંભ થયો હતો અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે રામનવમીના પર્વની ઉજવણી પ્રસંગે ઉપરકોટ ખાતે આવેલા રામચંદ્રજી મંદિર ખાતે આજે બપોરે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામચંદ્રજીના આકર્ષક ફલોટ ઉપરાંત, ધુન મંડળ, રાસ મંડળ તેમજ વિવિધ ઝાંખીને સામેલ કરવામાં આવી છે.  અયોધ્યા રામ મંદિરના શિખરે ફરકતા ધ્વજ જેવો જ બાવન ફુટનો ધર્મધ્વજ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી રાત્રે ૯:૩૦ કલાકે કાળવા ચોક ખાતે આવેલા ગોદડ અખાડા ખાતે પહોચશે. જયાં શોભાયાત્રાનું સમાપન થશે.  આજે ભગવાન શ્રીરામચંદ્રજી નગરચર્યાએ નીકળશે અને ભાવિકો દર્શનનો લાભ લેશે તેમજ દર્શનાર્થીઓ માટે ૧૧૦૦૦ જેટલા પંજરીના પ્રસાદના પેકેટ પણ રાખવામાં આવેલ છે અને દર્શનાર્થીઓને આપવામાં આવશે. ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની આજે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 
ભગવાન શ્રીરામ જન્મોત્સવનાં વધામણા - અયોધ્યા જેવો માહોલ 
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર રામનવમી ઉત્સવની ઉજવણી અંતર્ગત શોભાયાત્રા યોજાનાર છે ત્યારે અયોધ્યા જેવો માહોલ પ્રવર્તી રહયો છે. લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે અને જયશ્રી રામનાં નારા સર્વત્ર ગુંજી રહયા છે.