ગિરનારના પ૦મા પગથીયે કરૂણાંતિકા : ૧ર વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો

આજે સવારે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં ગિરનારની યાત્રાએ આવેલા મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક મયુરસિંહને અચાનક ત્રાટકેલા સિંહે તરાપ મારી જંગલમાં ખેંચી ગયો : મૃતક બાળકના બુટ, કપડા અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા : ગિરનાર પર્વતની સીડી લોકોની અવર-જવર માટે બંધ કરાઈ : બૃહદગીર વિસ્તારમાં છેલ્લા 25 દિવસમાં સિંહો દ્વારા માનવ મૃત્યુની છઠ્ઠી ઘટના નોંધાઈ

ગિરનારના પ૦મા પગથીયે કરૂણાંતિકા : ૧ર વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો

જૂનાગઢ તા.11
આજે વહેલી સવારે જૂનાગઢ શહેર નજીક આવેલ પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના મયુરસિંહ નામના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. આજે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેર અને પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આ ઘટના અંગે બાળકના કુટુંબી કાકા  અનિલકુમાર નટવરસિંહે જણાવ્યું હતું કે, તેઓ સવારે ગિરનારના પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને તેના હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, ગીરનારની સીડી પર લાઈટની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંધારામાં વન્યપ્રાણીઓ બેઠા હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તહેનાત કરવા જોઈએ.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી સંદીપભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, તેઓ ગત રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે આશરે પોણા છ વાગ્યે 50 થી 60 જેટલા યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું. માંડ 50 પગથિયાં ચડ્યા ત્યાં જ અચાનક ત્રાટકેલા સિંહે  બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ સિંહ ગિરનારની સીડી આસપાસ જ બેસી રહેતો હતો, તેમ છતાં લાઈટ કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.

મૃતક બાળક

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ ગીરનારની મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરાવી દેવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને માનવભક્ષી સિંહને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવાયા છે. વનવિભાગના સ્થાનિક સ્ટાફે વહેલી સવારથી જ સઘન કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાનમાં આ ઘટનાને પગલે જૂનાગઢ વન વિભાગ દોડતું થઈ ગયું છે. અને ગિરનાર પર્વતની સીડીઓ લોકોની અવર-જવર માટે બંધ કરી દીધી છે.

આજે સવારે સિંહની પજવણી પણ કરાઈ હોવાનો વિડીયો વાયરલ
આજે સવારે ગિરનારની સીડી પાસે સિંહની પજવણી પણ કરાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં કેટલાક પ્રવાસીઓ સિંહ પર ફલેશ લાઈટ મારતા અને એક એવું કહેતા સંભળાય છે કે, ‘જાે જાે સોમલા...’ આ બાબતની પણ તપાસ થવી જાેઈએ.

વનવિભાગે ત્રણ સિંહોને પાંજરે પુર્યા
ગિરનારની સીડી પર બાળકનો શિકાર કરનાર સિંહને પકડવા માટે વન વિભાગે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ વન વિભાગ દ્વારા માનવભક્ષી સિંહ હોવાની શંકાને આધારે ૩ સિંહોને પકડી લેવામાં આવ્યા છે. અને સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં સિંહના મળ અને ઉલ્ટીની તપાસ કર્યા બાદ માનવભક્ષી સિંહની ઓળખ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.