ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટીંગ,  વેરાવળમાં 8 ઈંચથી ઠેર ઠેર પાણી ભરાયા

સુત્રાપાડામાં 4 ઈંચ, તાલાલા- કોડીનારમાં 2-2 ઈંચ, ગીરગઢડા - ઉનામાં 1 ઈંચ વરસાદ વરસ્યો : જીલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટીંગથી ખેતરો બેટમાં ફેરવાયા તો અમુક રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા - મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ વેરાવળ સોમનાથમાં પાલીકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી

ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટીંગ,  વેરાવળમાં 8 ઈંચથી ઠેર ઠેર પાણી ભરાયા

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.4
ગીર સોમનાથ જીલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટીંગથી ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો શહેરી વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતા વેપારીઓ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આજે ત્રીજા દિવસે જીલ્લામાં સૌથી વધુ વેરાવળ સોમનાથમાં 8 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. જેના કારણે જોડીયા શહેરના અનેક વિસ્તારો અને બજારમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રોષ ઠાલવી રહ્યા હતા. 
જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારે છ થી સાંજે છ વાગ્યા (બાર કલાકમાં) સુધીમાં વેરાવળમાં 8 ઇંચ, સુત્રાપાડામાં 4 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, તાલાલામાં 2 ઇંચ, ગીરગઢડામાં 1 ઈંચ તથા ઉનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગીર સોમનાથ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. જ્યારે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યુ છે. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવાની સાથે દરિયાકાંઠે અતિભારે પવન ફૂંકાવવાની સાથે ઉંચા મોજા ઉછળવાની શકયતા હોય સતર્ક રહેવા જણાવ્યુ છે. 
મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ તંત્રની આગોતરી તૈયારીઓની પોલ ખોલી નાંખી
છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા મથક વેરાવળ સોમનાથ શહેર ઉપર મેઘરાજા ઓર ગોળ ગોળ થયા હોય તેમ હેત વરસાવી રહ્યા છે જેમાં આજે ત્રીજા દિવસે બાર કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આજના ભારે વરસાદના પગલે રાજેન્દ્રભુવન રોડ, અમરદીપ હોસ્પિટલ રોડ, એસ.ટી. રોડ, જૈન હોસ્પિટલ રોડ, સુભાષ રોડ, એમજી રોડ, હાઉસિંગ સોસાયટી, વોર્ડ નં.2, 5, 6ના અનેક વિસ્તારોમાં, પોસ્ટ ઓફીસ રોડ, નવદુર્ગા મંદિર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર ભરાયેલા પાણીના લીધે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલ પાલીકા કચેરીના આંગણે અને આસપાસના મુખ્ય રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પાલીકા કચેરી આસપાસ પાણી ભરાયાની ઘટનાને લઈ સોશિયલ મિડીયામાં લોકો દ્વારા તંત્રની કામગીરી સામે સુચક સવાલો ઉઠાવતા કહી રહેલ કે, જો તંત્ર પોતાના આંગણે ભરાતા પાણીની સમસીયા ન ઉકેલી શકતું હોય તે શહેરમાં ભરાતા પાણીની સમસીયા કેમ ઉકેલશે ?, આ વર્ષે પાલીકા તંત્રએ પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરેલ લાખોના ખર્ચની મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ પોલ ખોલી નાંખી. તેવી કોમેન્ટો કરી રહ્યા હતા. જયારે પાલીકા કચેરીના કોમ્પલેક્ષની અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ હેરાન પરેશાન થઈ પાલીકા તંત્રની કામગીરી સામે રોષ ઠાલવી રહેલ હતા. 
ગાંધીચોક બજારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા તો બાળકોએ ધુબાકા મારી મજા લીધી અને તંત્ર મુખપ્રેક્ષક રહ્યુ 
દર વર્ષની માફક આ વર્ષે પણ મેઘરાજાએ હેત વરસાવતા જ વેરાવળની ગાંધી ચોક બજારમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મુખ્ય બજારમાં ભરાયેલા વરસાદી પાણીમાં બાળકો ધુબાકા મારી સ્વીમીંગ પુલ હોય તેવો આનંદ લેતા જોવા મળ્યા હતા. જયારે બજારના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ હતો. ગાંધીચોક બજારની અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ બજારના વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ કરાતો ન હોવાથી વેપારીઓમાં રોષ પ્રવર્તેલ હતો. તો તંત્રની બેદરકારીના કારણે મોડીરાત્રીના વોર્ડ નં.5માં દર્દીને સારવાર અર્થે હોસ્પીટલ લઈ જતી વખતે 108 એમ્બ્યુલન્સ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી. જેને આસપાસના વિસ્તારના લોકોએ જેસીબી બોલાવી બહાર કઢાવી હતી. જ્યારે શહેરના આઈકોનીક રોડના લાંબા સમયથી અધુરા કામના લીધે એસટી બસનું વહીલ જમીનમાં ફસાઈ જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે ગઈકાલે વોર્ડ નં.2માં ખુલ્લી ગટરમાં સાયકલ સવાર બાળકો સાથે ખાબકેલ તે સ્થળે તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરેલ હોવાથી રાત્રીના તે ખુલ્લી ગટરમાં ઓટો રીક્ષા ખાબકી હતી. આમ તંત્રની બેદરકારીના લીધે એક જ સ્થળે બે અકસ્માતો થયા હોવાથી લોકોમાં અધિકારીઓ અને તંત્ર સામે રોષની લાગણી પ્રસરી હતી.