સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં ૧૨,૦૦૦ ટિકિટો વેચી, ૩ની ધરપકડ
ગીર સોમનાથ તા. ૧૪
સાસણ ગીરમાં સિંહદર્શન માટેની ઓનલાઈન પરમિટ બુક કરાવીને તેને બ્લેકમાં ઊંચા ભાવે વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. CID સ્ટેટ સાયબર સેલે આ મામલે મોટી કાર્યવાહી કરીને બે ટ્રાવેલ એજન્સીના સંચાલકો સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમણે ૧૨ હજારથી વધુ પરમિટનું અનઅધિકૃત બુકિંગ કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ બોગસ દસ્તાવેજાે, ખોટી ઓનલાઈન ટ્રિક્સ અને ટેકનિકલ ક્ષતિઓનો લાભ લઈને મોટા પાયે સામૂહિક બુકિંગ કરતા હતા. CID સાયબર સેલે અમદાવાદની AB ટુર્સ એન્ડ ટ્રાવેલ અને જૂનાગઢની નાઝ ટ્રાવેલ સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા ત્રણ આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે ૧૨,૦૦૦ જેટલી પરમિટ ખોટી રીતે બુક કરીને તહેવારોનો લાભ લઈને વધુ ભાવે વેચી હતી. આ સમગ્ર કૌભાંડમાં લાખો રૂપિયાની નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. સાયબર સેલની તપાસમાં કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ સરકારની સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી છથી વધુ બોગસ વેબસાઇટ્સ બનાવી હતી. ટ્રાવેલ્સ એજન્સીના નામે અલગ-અલગ ઈમેઈલ આઈડીમાં સામાન્ય ફેરફાર કરીને તેમજ એક જ નામથી વધુ બુકિંગ કરીને તેઓ પરમિટનો જથ્થો મેળવી લેતા હતા. ખોટી રીતે બલ્કમાં બુકિંગ કરી લેવાના કારણે ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ પર પરમિટની કુત્રિમ અછત ઊભી થતી હતી. સામાન્ય નાગરિકોને પરમિટ ન મળતાં, આરોપીઓ ઊંચા ભાવ વસૂલીને આ અનઅધિકૃત પરમિટનું બ્લેકમાં વેચાણ કરતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના તાર ગુજરાત રાજ્યની બહાર પણ જાેડાયેલા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સિંહદર્શન પરમિટ ઉપરાંત રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને ટેન્ટ સિટીમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી બુકિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે, જે અંગે પણ તપાસ ચાલી રહી છે.


