જૂનાગઢમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રીનો રંગ જામ્યો.

જૂનાગઢમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રીનો રંગ જામ્યો.
જૂનાગઢમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રીનો રંગ જામ્યો.

જૂનાગઢ તા. 26
જૂનાગઢ શહેરમાં નવરાત્રી પર્વની ખુબજ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી રહી છે. શક્તિની આરાધનાનાં પર્વને મનાવવામાં આવી રહયું છે. શહેર અને જીલ્લાભરમાં  નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે અને નવરાત્રી મહોત્સવનો રંગ પુરેપુરો જામ્યો છે. જૂનાગઢ શહેરમાં 125 થી વધુ ગરબીઓ વિવિધ વિસ્તારમાં યોજાઈ છે. ગરબી મંડળના  સંચાલકો, કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળાઓનાં સુંદર મજાના રાસનાં કાર્યક્રમો યોજાઈ છે. મા-પાવા તે ગઢથી ઉતરીયા મહાકાળી રે... તેમજ માનો ગરબો રે રમે.. રાસને ગરબા, તેમજ એક છેદે બીજે છેદે રાંદલ માવડી પધાર્યા રે સહિતનાં ગરબાઓ લેવાઈ રહયા છે. આદ્યશક્તિ માં અંબા માતાજીનાં નવલા નોરતાના પાવન અવસરે  ધાર્મિક જગ્યાઓ અને માતાજીનાં મંદિરોમાં બેઠા ગરબા, પૂજન, અનુષ્ઠાન, હોમ, હવન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.  આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી ગરબીઓમાં બાળાઓનાં રાસ ગરબાનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. લોકો પ્રખ્યાત રાસને નિહાળવા ઉમટી પડે છે. આ ઉપરાંત જૂનાગઢનાં ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર આવેલા વિવિધ પાર્ટીપ્લોટમાં પણ વિવિધ જ્ઞાતિ, સમાજ આયોજીત નવરાત્રી રાસોત્સવ 2025 અંતર્ગત રાસોત્સવ યોજવામાં આવ્યો છે. જેમાં પણ વિવિધ જ્ઞાતિ, સમાજનાં પરિવારજનો ઉપસ્થિત રહી રાસોત્સવને માણે છે. આજે છઠ્ઠું નોરતું છે ત્યારે જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવ રાસ-ગરબાની રમઝટ સાથે રંગ  પકડી રહયો છે. ઠેર-ઠેર  માતાજીનાં દુહા, છંદ, ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.