‘ડોન 3’ના વિવાદમાં નવો વળાંક, રણવીર સિંહના પિતા ઈમ્પાના સભ્યોને મળશે
ફિલ્મમાંથી રણવીર સિંહની વિદાય બાદ 45 કરોડની નુકસાનીનો વિવાદ હજુ યથાવત્, હવે પરિવાર તરફથી મામલો ઉકેલવાનો પ્રયાસ
મુંબઈ, તા.૧૮
રણવીર સિંહની ફિલ્મ ‘ડોન 3’માંથી વિદાય બાદ શરૂ થયેલો વિવાદ હજુ સુધી સંપૂર્ણ રીતે થાળે પડ્યો નથી. હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. રણવીર સિંહના પિતા જગજિત સિંહ ભવનાની આ અઠવાડિયે ઈમ્પા એટલે કે ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનના સભ્યો સાથે મુલાકાત કરી શકે છે. આ બેઠકનો મુખ્ય હેતુ ‘ડોન 3’ સાથે જોડાયેલા નાણાકીય વિવાદનો ઉકેલ લાવવાનો હોવાનું જણાવાઈ રહ્યું છે.
ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનારી ‘ડોન 3’માંથી રણવીર સિંહે છેલ્લી ઘડીએ પોતાને અલગ કરી લીધા બાદ ફિલ્મના નિર્માતાઓ અને અભિનેતા વચ્ચે મતભેદ સર્જાયા હતા. નિર્માતાઓ તરફથી રણવીર પાસે આશરે 45 કરોડ રૂપિયાની નુકસાનીની માંગ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
આ વિવાદ વધ્યા બાદ ફિલ્મ ઉદ્યોગના સંગઠન FWICE દ્વારા રણવીર સિંહ સામે અસહકાર અને પ્રતિબંધની કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, જૂન મહિનામાં સંગઠને આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. તેમ છતાં ફિલ્મના નિર્માતાઓ અને રણવીર વચ્ચે 45 કરોડ રૂપિયાની નુકસાનીને લઈને ઊભો થયેલો મુદ્દો હજુ ઉકેલાયો નથી.
આ દરમિયાન રણવીર સિંહે પોતાના વકીલો મારફતે FWICEને આ મામલાથી દૂર રહેવા જણાવ્યું હતું. રણવીર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે નિર્માતાઓ સાથેનો નાણાકીય વિવાદ સંગઠનના કાર્યક્ષેત્રમાં આવતો નથી.
હવે ઈમ્પાના પ્રમુખ અભય સિન્હાના જણાવ્યા પ્રમાણે રણવીર સિંહના પિતા જગજિત સિંહ ભવનાની સંગઠનના સભ્યો સાથે બેઠક કરશે. આ મુલાકાત બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
‘ડોન 3’ સાથે જોડાયેલો આ વિવાદ લાંબા સમયથી ચર્ચામાં છે અને હવે રણવીરના પિતા પોતે સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાના હોવાથી મામલો કઈ દિશામાં આગળ વધે છે તેના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજર છે. ખાસ કરીને 45 કરોડ રૂપિયાની નુકસાની અંગે બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં તે મહત્વનું રહેશે.


