જૂનાગઢની ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ : પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી

રસ્તાનાં અધુરા કામો,  લેવલ કરતા ગટરોની ચેમ્બર ઉંચી -નીચીને કારણે અનેક સ્થળોએ અકસ્માતનાં સંખ્યાબંધ બનાવો : ગટરનાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યા

જૂનાગઢની ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ : પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી

જૂનાગઢ તા.2
જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરની યોજનાનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો અને આ યોજના સાવ નિષ્ફળ ગઈ હોવાનાં દ્રશ્યો ગઈકાલે સર્જાયા હતાં. ગટરનું બહાર આવેલું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. એક તરફ વરસાદ અને બીજી તરફ ગટરનાં વહેતા ગંદા પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં.  ગટરનું બહાર આવતુ પાણી અટકાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં જળચર જીવો પણ પાણીના પ્રવાહની સાથે આવી અને લોકોનાં ઘર સુધી પહોંચી જાય તેવી ચિંતા વ્યકત કરવામાં આવી છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં મેઘરાજાની શુકનવંતી પધરામણી થઈ હતી. અને જેને લઈને લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી તો બીજી તરફ પ્રથમ વરસાદને પગલે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જયાં અધુરા રસ્તાના કામોને કારણે ઠેર-ઠેર રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને બેટ જેવી હાલત સર્જાણી હતી. આ ઉપરાંત ભૂગર્ભ ગટરની યોજના સાવ નિષ્ફળ ગઈ હોવાની બાબત પણ ખુલવા પામી હતી. ઠેર-ઠેર ગટરના પાણી ઉભરાણા હતા અને રસ્તા ઉપર નદીઓ વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. મનપા તંત્રના અણધડ વહિવટને કારણે રસ્તાના કામો અને ગટરના કામોને કારણે લોકો ભારે મુશીબતમાં મુકાયા હતા. અનેક સ્થળોએ પાણી ભરાવા તેમજ વાહન ફસાવાના પણ બનાવો બન્યા હતા. અને કોર્પોરેશનના તંત્રવાહકોની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જૂનાગઢ શહેરમાં ચોમાસા પૂર્વેની મનપા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી હોવાના કાગળો ઉપરના દાવા આખરે પોકળ સાબિત થયા છે. ગઈકાલે ચોમાસાના પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખુલી ગઈ હતી અને મોટાભાગના વિસ્તારોમાં પાણીની નદીઓ વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. જૂનાગઢ શહેરમાં નગરજનોની સુવિધા માટે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ઘણા લાંબા સમય સુધી ચાલી હતી પરંતુ ભૂગર્ભ ગટરની આ યોજનાની આયોજનબધ્ધ કામગીરી કરવામાં આવતી ન હોવાની દરેક વિસ્તારમાં વ્યાપક ફરિયાદો ઉઠેલી છે તો બીજી તરફ ભુગર્ભ ગટર યોજનાના કામમાં ચેમ્બરો રોડ સાઈડની લેવલમાં ન હોય કયાંક ઉંચા ઢાંકણાનાં કારણે પણ અવાર નવાર અકસ્માતનાં બનાવો પણ સર્જાય છે. પાણીની પાઈપ લાઈન તેમજ ભુગર્ભ ગટરની પાઈપ લાઈનની ચેમ્બરો પણ પુરેપુરી સાફ કરવામાં આવી ન હોવાની પણ ફરીયાદો છે. ગઈકાલે પ્રથમ વરસાદે જ શહેરમાં તમામ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. જયાં પણ રસ્તાનાં કામો અધુરા રહયા હતાં ત્યાં ભારે મુશ્કેલી ઉભી થઈ હતી. દરમ્યાન શહેરનાં ઓધડનગર શાંતેશ્વર મેઈન રોડ પર પણ ખુલ્લી ગટર ઉપરથી પાણી વહેવા લાગ્યા હતાં અને જેને લઈને પણ અકસ્માતનાં બનાવ બન્યા હતાં. જેમાં એક સ્થાનિક રહેવાસી ખુલ્લી ગટરમાં પડી જતાં તેને આસપાસનાં લોકોએ બહાર કાઢયો હતો. જાે કે તેને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. દરમ્યાન વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારાએ મનપાનાં શાસકોની અણઆવડત, વિકાસનાં કામો પ્રત્યે બેદરકારી દાખવતા હોવાના આક્ષેપો સાથે જણાવ્યું હતું કે શહેરનાં અનેક વિસ્તારોમાં રસ્તાનાં કામો અધુરા છે અને હુતાશણી પહેલા જ કામો શરૂ કરવામાં આવ્યા હતાં પરંતુ હજુ સુધી પુરા કરી શકયા નથી. જૂનાગઢ શહેરમાં ચોમાસાનાં સમયમાં ખરાબ હાલત સર્જાશે તેવો ભય વ્યકત કર્યો હતો. અને અવાર નવાર લેખીત રજુઆતો પણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા અધુરા કામો પુરા કરવામાં આવ્યા નથી. અને જેને લઈને ચોમાસાના દિવસોમાં ભારે વરસાદનાં સમયે મોટાભાગના વિસ્તારોની ખરાબ હાલત સર્જાશે તેવી ચિંતા વ્યકત કરી અને તંત્ર દ્વારા વહેલી તકે તકેદારીના પગલા લેવાની પણ માંગણી કરી છે. શહેરમાં પ્રથમ વરસાદે જ ગઈકાલે ગંભીર પરિસ્થિતિ સર્જાણી હતી. અને જેને લઈને લોકો હવે બોલી રહયા છે કે ભુગર્ભ ગટરની યોજના પાછળ કરેલો ખર્ચ પાણીમાં ગયો. અને આ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનું લોકો કહી રહયા છે.